કાબુલ એરપોર્ટ પર તાલીબાનનો રોકેટ હુમલો: ૨૦ થી ૩૦ રોકેટ ઝીંકાયા
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે ૨૦ થી ૩૦ રોકેટ ઝીંકી આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૮૦ પેસેન્જર સાથે દિલ્હી આવતું સ્પાઈસ જેટનું વિમાન સહેજમાં બચી ગયું હતું.
વિગતો મુજબ જે સમયે એરપોર્ટ પર રોકેટ મારો થઈ રહ્યો હતો ત્યારે સ્પાઈસ જેટની ફલાઈટ એસ-જી-૨૨ (કાબુલ-દિલ્હી) ટેક ઓફ કરવા તૈયાર હતી. જેમાં ૧૮૦ મુસાફરો હતા. અલબત રોકેટમારો થતા આ ફલાઈટના મુસાફરો અને સ્ટાફને હેમખેમ ટર્મીનલ બિલ્ડીંગમાં ખસેડવામાં આવ્યા હતા. રોકેટ હુમલામાં ફલાઈટ સહેજમાં બચી ગઈ હતી.
અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટીસ અને નાટોના નેતા જેમ્સ સ્ટોલટનર્બગ અફઘાનિસ્તાન પહોંચ્યા તે સમયે તેને નિશાન બનાવી રોકેટ મારો થયો હતો. આ હુમલાની જવાબદારી તાલીબાનોએ સ્વીકારી છે.
આ રોકેટમારા બાદ ગોળીબારના અવાજ પણ સંભળાયા હતા. એરપોર્ટ ખાલી કરાવીને તમામ ફલાઈટો રદ્દ કરી દેવામાં આવી હતી. રોકેટ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી.
અગાઉ પણ ૨૦૧૪માં આ પ્રકારનો રોકેટ હુમલો થયો હતો તે સમયે પણ સ્પાઈસ જેટનું એરક્રાફટ દિલ્હી આવવા રવાના થઈ રહ્યું હતું.તે એરક્રાફટમાં ૧૦૦ મુસાફરો હતા તે સમયે પણ એરક્રાફટ રોકેટથી બાલ બાલ બચી ગયું હતું.