હત્યા કેસમાં શામેલ 4 શૂટરોની ઓળખ કરી લેવાઈ: લોરેન્સ બીશ્નોઈને મુખ્ય આરોપી 

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા 4 શૂટરોની ઓળખ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે લોરેન્સ બિશ્નોઈને મુખ્ય આરોપી બનાવ્યો છે.

પંજાબ પોલીસે મુસેવાલાની હત્યામાં સામેલ ચાર શૂટરોની ઓળખ કરવાનો દાવો કર્યો છે. પરંતુ હજુ સુધી તેમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ 4 શૂટરોમાંથી બે સોનીપતના રહેવાસી પ્રિયવ્રત અને તેના સહયોગી અંકિત અને મોગાના મનુ કુશ અને અમૃતસરના રહેવાસી જગરૂપ રૂપા છે.

આ કેસમાં તપાસ વિશે માહિતી આપતા અધિકારીએ કહ્યું કે, આ હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનમાંથી એક નાનકડી કડી મળ્યા બાદ, ટેકનિકલ ઈનપુટ્સે પંજાબ પોલીસને હત્યા પહેલા બનેલી ઘટનાઓને બહાર કાઢવામાં મદદ કરી. અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે એક બોલેરો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર ઘટના સ્થળથી 13 કિમી દૂરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારમાં ફતેહાબાદના એક પેટ્રોલ પંપ ખાતેની તારીખ 25 મેના રોજની પેટ્રોલની પહોંચ  મળી આવી હતી. આ પહોંચ મલ્યા બાદ તરત જ એક ટુકડી પેટ્રોલ પંપ ખાતે દોડી ગઈ હતી અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો જેની ઓળખ પાછળથી સોનપતના શૂટર પ્રિયવર્ત તરીકે કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે બોલેરો કાર પેટ્રોલ પંપ પર આવી તે પૂર્વેના રુટ તેમજ ત્યારબાદના રૂટની ખરાઈ કરાઈ હતી. તેમજ બોલેરો કારના એન્જીન નંબર અને ચેસીસ નંબર પરથી ગાડીના માલિકની ઓળખ કરાઈ હતી.

ત્યારબાદ ઘટનાસ્થળે હત્યા નિપજાવ્યા બાદ શૂટરોએ પોતાની ટોયોટા કોરોલા કાર ઉભી રાખી ગનપોઇન્ટ પર એક સફેદ અલ્ટો કારની લૂંટ ચલાવી હતી અને ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી કોરોલા કારને ત્યાં જ છોડી દેવામાં આવી હતી. પેટ્રોલ પંપની એક કડી મળ્યા બાદ તેના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી હતી.

તિહાર જેલ દિલ્હીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત આ કેસમાં અન્ય 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં ભટિંડા, સિરસાના ચરણજીત સિંહ ઉર્ફે ચેતન, હરિયાણાના સંદીપ સિંહ ઉર્ફે કેદરા, તલવંડીનો સાબો, ભટિંડાના મનપ્રીત સિંહ ઉર્ફે મન્ના, ફરિદકોટના મનપ્રીત ભાઉ, અમૃતસરના સરાજ મિન્ટુ, હરિયાણાના પ્રભદીપ સિદ્ધુ ઉર્ફે મોનબી, પબ્બી. અને પવન બિશ્નોઈ. આ તમામની કાવતરું ઘડવા, હત્યામાં મદદ કરવા, રેકી કરવા અને શૂટર્સને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તો, આ મામલે માહિતી આપતા પંજાબ પોલીસના જનસંપર્ક વિભાગે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા આરોપી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ અને વિક્રમ બ્રારની સૂચનાથી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.