અનેક રાજ્યોમાં અગ્નિપથ સામે વિરોધ: અગ્નિવીરોને નોકરીના 4 વર્ષ બાદ પણ અનેક તકો મળશે, સરકારની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે લશ્કરમાં જોડાવા માટે અગ્નિપથ સ્કીમ લાગુ કરી છે. જેની સામે દેશભરમાં વિરોધ ઉઠતા યુવાનો “અગ્નિપથ”થી જાણે ગભરાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ મામલે સરકારે સ્પષ્ટતા કરી છે કે અગ્નિવિરોને નોકરીના 4 વર્ષ બાદ પણ અનેક તકો મળશે.
અગ્નિપથ ભરતી યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તાઓ અને રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા. અગ્નિવીરના રૂપમાં ચાર વર્ષની સૈન્ય સેવા પછી, પોતાના ભવિષ્યને લઈને ડરેલા યુવાનોએ ઘણી જગ્યાએ આ યોજના વિરુદ્ધ પ્રદર્શન કર્યું. યુવાનોના ટોળાએ ઉશ્કેરાઇ જઇ હોબાળો મચાવ્યો હતો.બિહારમાં વિરોધીઓ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધને કારણે ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. પૂર્વ મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, સોનપુર, દાનાપુર રેલવે વિભાગમાં ઓછામાં ઓછી 25 ટ્રેનોના સંચાલનને અસર થઈ છે.
કેન્દ્ર સરકારે અનેક સ્પષ્ટતાઓ જારી કરી છે, જેમાં જણાવાયું છે કે 4 વર્ષના આયોજન બાદ નિવૃત્ત થનાર અગ્નિવીરને સરકાર તરફથી અનેક તક પ્રદાન કરવામાં આવશે. અગ્નિવિરોને વ્યવસાય, શિક્ષણ અને અન્ય નોકરીઓ વગેરે માટે સહાય આપવામાં આવશે. આમાં 11.72 લાખ રૂપિયાનું નાણાકીય પેકેજ સામેલ હશે જે દરેક અગ્નિવીરને આપવામાં આવશે જેથી તેઓ એન્ટરપ્રાઇઝ શરૂ કરી શકે.
અગ્નિવીરોની વય મર્યાદા 21થી વધારીને 23 કરાઈ
અગ્નિપથ યોજના માટે ભરતી પ્રક્રિયા માટેની ઉપલી વય મર્યાદા 2022 માટે વધારીને 23 વર્ષ કરવામાં આવી છે, કેન્દ્રએ જણાવ્યું હતું. 21 વર્ષની ઉપલી વય મર્યાદા એ ઘણા મુદ્દાઓમાંથી એક છે જેના કારણે વિરોધીઓ ભરતી યોજનાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ, જેણે યોજના સામે વિરોધની જાહેરાત કરી છે, તેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, અને કહ્યું છે કે રોગચાળાને કારણે સૈન્યની ભરતી છેલ્લા બે વર્ષથી અટકી હતી અને ઘણી જગ્યાઓ ખાલી પડી છે. જેથી ઘણા લાયક ઉમેદવાર ગેરલાયક ઠરે તેમ છે. આ વિરોધને પગલે સરકારે વયમર્યાદામાં છૂટછાટ જાહેર કરી છે.