- એસ.પી. મનોહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં હવસખોરને દબોચી ઘટનાનો ભેદ ઉકેલ્યો
- કામાંદ આરોપીને ફાંસીના માચંડે ચડાવવા ઠેરઠેર ફિટકાર: ઉચ્ચ અધિકારીઓને આવેદન
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે આઠ વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દઇ બાળકીની લાશને ફેંકી દીધી હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા સહિતના સ્ટાફે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગણતરીની કલાકોમાં જ નરાધમને ઝડપી પાડી દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. બનાવને પગલે સમગ્ર પંથકમાં કામાંધ આરોપી પર ઠેરઠેર ફિટકાર વરસી રહ્યો છે અને આ આરોપીને ફાંસીના માચંડે ચડાવવા પણ માંગ ઉઠી રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કોડિનાર તાલુકાના નાના એવા ગામ જંત્રાખડીમાં બે દિવસ પહેલા અવાવરૂં જગ્યાએથી એક માસૂમ બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તુરંત હરકતમાં આવીને બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. જેમાં બાળકીને હવસનો શિકાર બનાવી મોંઢે ડુચો દઇને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું હતું.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા, વેરાવળ ડિવીઝનના એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ અને કોડીનાર પોલીસ મથકના પીઆઇ એ.એમ.મકવાણા તથા એલસીબી સહિતનો સ્ટાફ બાળકી પર થયેલા અત્યાચારને ડામવા માટે કામગીરી પર લાગી ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલીને આરોપી શામજી ભીમા સોલંકીને ગણતરીની જ કલાકોમાં જ દબોચી લઇ બાળકીની હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલી લીધો હતો.
પોલીસ દ્વારા આરોપી શામજી સોલંકીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવ્યા પહેલા અશ્ર્લિલ વિડીયો જોયા હતા, આરોપી શામજી સોલંકીની પત્ની પણ રિસામણે ગઇ હોવાથી એકલતાનો લાભ ઉઠાવી બાળકીને હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમ આરોપીએ બાળકીને મોઢે ડૂચો દઇ દુષ્કર્મ આચાર્યું હતું. જેમાં બાળકીનું ઘટનાસ્થળ પર મોત નિપજતા આરોપીએ બાળકીના મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી.
આ ઘટનાનો ભેદ ઉકેલ્યા બાદ ગ્રામજનો અને સમગ્ર પંથકમાં કામાંધ આરોપી શામજી સોલંકીને ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે ઠેરઠેર ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવ્યા હતા.
તો બીજી તરફ ગામની મુલાકાતે પહોંચેલા સાંસદ રાજેશ ચુડાસમાએ ભોગ બનનાર બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને આ ઘટનાને સુરતમાં થયેલા ગ્રીષ્મા કેસની માફક ચલાવી નરાધમને ઝડપથી કઠોરમાં કઠોર સજા અપાવવા માટે આશ્ર્વાસન પણ આપ્યું હતું.