સોમવાર રોકાણકારો માટે ગોઝારો સાબિત થયો : અમેરિકાની બજારની વણસેલી સ્થિતિ ભારતીય બજારને ભરખી ગઈ
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ધડામ થઈ ગયું છે. સેન્સેક્સ 1200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 16,000ના સ્તરની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. 11 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ 1410 પોઈન્ટ અને નિફ્ટી 405 પોઇન્ટ ડાઉન છે.
આ અગાઉ, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને અંતે મજબૂત ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. બીએસઆઈ સેન્સેક્સ 1017 પોઈન્ટ ઘટીને 54,303 પર બંધ થયો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી 276 પોઈન્ટના ઘટાડા સાથે 16,202 પર બંધ થયો હતો.
વિશ્વભરના શેરબજારો આ દિવસોમાં ભારે વેચવાલીનો સામનો કરી રહ્યા છે. રેકોર્ડ ફુગાવો અને મંદીના ભયને કારણે શુક્રવારે યુએસ માર્કેટમાં ભયાનક વેચવાલી જોવા મળી હતી. તેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. આજે બીએસઈ સેન્સેક્સ શરૂઆતના વેપારમાં જ 1500 પોઈન્ટ સુધીના નુકસાનમાં ગયો છે.
સેક્ટર મુજબ રિયલ્ટી, બેન્કસ અને ફાઇનાન્સ સૌથી વધુ દબાણ હેઠળ છે. આ ત્રણેય સેક્ટર બીએસઇ પર 3-3 ટકાથી વધુ નુકસાનમાં છે. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ 4.74 ટકા તૂટ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઇનાન્સ,એલ એન્ડ ટી, ઈંડુસિન્ડ બેન્ક, એસબીઆઈ, કોટક બેન્ક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચડીએફસી, ઇન્ફોસીસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરો શરૂઆતના વેપારમાં 3-4 ટકા સુધી તૂટ્યા હતા.