પોરબંદરના યુવકને વંથલી નજીક પોલીસના સ્વાંગમાં બુલેટ ચાલકે લૂંટી લીધો
પોરબંદરના બાવાજી યુવાન બાઇક પર વિસાવદરના કાલસારી ગામે મામાના ઘરે જતો હતો ત્યારે વંથલી નજીક 5930 નંબરના બુટેલ ચાલકે ‘તુ દારૂના ફેરા કરે છે’ તેમ કહી ઉભો રાખી ચેક કરવાના બહાને રૂા.11,600 રોકડાની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ગુરૂકુળ ગેઇટ પાસે રહેતા અને ઇલેકટ્રીક કામ કરતા પાર્થ વિજયભાઇ નિમાવત નામના 26 વર્ષના બાવાજી યુવાન જી.જે.25એલ. 3301 નંબરનું હોન્ડા પેશન લઇને પોરંબદરથી વિસાવદર નજીક આવેલા કાલસારી ગામે રહેતા મામા અરવિંદભાઇ મુળદાસભાઇ અગ્રાવતના ઘરે જતો હતો.પાર્થ નિમાવત વંથલી નજીક પહોચ્યો ત્યારે 5930 નંબરના બુટેલ ચાલકે ‘તુ દારૂના ફેરા કરે છે’ તેમ કહી ચેક કરવાના બહાને ઉભો રાખી ખિસ્સામાં રહેલા રૂા.18,800ની રોકડ, આધાર કાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી લીધા બાદ રૂા.200, લાયસન્સ અને આધાર કાર્ડ પરત આપી રૂા.11,600 લઇને ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પાર્થના પિતા વિજયભાઇ નિમાવત રાણાવાવ ખાતે મામલતદાર કચેરીમાં મધ્યાન ભોજન યોજનામાં કામ કહે છે. પાર્થ નિમાવતના રાજકોટ ખાતે રહેતા માસી રંજનબેન પાસેથી ઉછીના લીધા હતા તે પરત આપવાના હોવાથી તેની પાસે રૂા.11,800ની રોકડ હોવાનું જણાવ્યું હતું. લૂંટ ચલાવી ભાગી છુટેલો બુલેટ ચાલક આશરે 30 થી 35 વર્ષનો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વંથલી પી.એસ.આઇ. વી.કે.ઉંજીયાએ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.