પોત-પોતાના વિસ્તારમાં આવતા બુથની વિઝીટ લઈને તેની હાલની સ્થિતિ અને વ્યવસ્થાની ચકાસણી કરતા અધિકારીઓ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય, જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પ્રાંત- મામલતદારોએ મતદાન મથકોની તપાસણી શરૂ કરી છે. આ અધિકારીઓ પોત-પોતાના વિસ્તારમાં આવતા બુથની વિઝીટ લઈને તેની હાલની સ્થિતિ અને વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અગાઉ જિલ્લાની ચૂંટણી અધિકારી કચેરીમાં અને ત્યાં થઈને તાલુકાઓની શાળાઓમાંથી જે શિક્ષકોને પ્રિસાઇડિંગ ઓફિસરથી શરૂ કરીને વિવિધ પ્રકારના પોલીંગ સ્ટાફ માટે કામગીરી સોંપવા માટે હાલમાં દરેક શાળાઓમાંથી શિક્ષકોની માહિતી તેમજ મહેસુલી સ્ટાફ તેમજ અન્ય સ્ટાફનો ડેટા બેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બુથ જર્જરિત જણાશે તો નવા બુથની પસંદગી અંગે ચૂંટણી પંચને દરખાસ્ત કરાશે

ત્યારબાદ ચૂંટણી પંચની સૂચના મુજબ જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારોએ પોત-પોતાના વિસ્તારમાં મતદાન મથકોની વિઝીટ લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં મતદાન મથકમાં લાઈટ, પંખા, બાથરૂમ સહિતની પ્રાથમિક વ્યવસ્થા છે કે કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જો અધિકારીને મતદાન મથક જર્જરિત જણાશે તો નવા મતદાન મથકની પસંદગી અંગે ચૂંટણી પંચને દરખાસ્ત પણ કરવામાં આવશે. આ માટે રાજકીય પક્ષોના વાંધા સૂચન પણ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.