સ્વામીનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા તાલિમ શિબિર યોજાઇ
સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શૈક્ષણિક સ્તરને ઉત્તરોત્તર ઊંચુ લાવવા માટે વિદ્યાર્થીઓને જ નહિ પણ સંસ્થાના શિક્ષકોના પણ વિચારો, જ્ઞાનશક્તિની સમૃદ્ધિ માટે અને શિખવાની સાચી પ્રક્રિયા શું હોય શકે તે અંગે સમજ કેળવવા ‘લર્નિંગ હાઉ ટુ લર્ન’ વિષય પર એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકોના વિચારો અને જ્ઞાનશક્તિની સમૃદ્ધિ થાય તથા શીખવાની પ્રક્રીયાને દિશા તથા વેગ મળે તે માટે SGIS દ્વારા એકેડમીના પ્રિન્સિપાલ વિપુલ ધન્વાને વક્તા સ્થાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમ શિબિરની ધ્યેય સહભાગીઓને શીખવાની પ્રક્રિયાનો પરિચય આપવાનો હતો અને શીખવાની જટિલ પ્રક્રિયાને કેવી રીતે સરળતા સાથે સમજવી અને શા માટે સમજવી જોઈએ તે હતો. તેમાં પણ જ્યારે વિદ્યાર્થીઓને કોઈ વિષયનો અભ્યાસ કરાવવાનો હોય ત્યારે શિક્ષકોએ કઈ કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિષય ઉપર વક્તાએ સચોટ માર્ગદર્શન આપ્યું હતું.
આ શિબિરના અંતે સહભાગી થયેલા SGISના શિક્ષકોએ નિષ્ણાત વકતા વિપુલને તેમને પ્રશિક્ષિત કરવા અને દરેક બાબતને વૈચારિક રીતે શીખવા માટે તેમને સક્ષમ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ શિબિરનું આયોજન કરવા બદલ SGISના શૈક્ષણિક સલાહકાર શ્રીકાંત તન્નાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ શિબિરનાં અંતે શિક્ષકોનો ઉત્સાહ અને પ્રતિસાદ જોઇ SGISના શૈક્ષણિક સલાહકાર શ્રીકાંત તન્ના અને ગુરુકુલના સંતોએ પણ શિક્ષકોના જ્ઞાનને અપગ્રેડ અને અપડેટ કરવા માટે ભવિષ્યમાં સમયાંતરે વિવિધ તાલીમો, વક્તવ્યો, સેમિનાર અને કાર્યશાળાના આયોજન કરવા આતુરતા અને તૈયારી દર્શાવી હતી.