સરકારની મુદ્રા યોજના અને આઉટરીચ કાર્યક્રમ જેવી યોજનાઓ દરેક લોકોને આત્મનિર્ભર બનાવી રહી છે: સાંસદ પૂનમબેન માડમ
સમગ્ર દેશમાં આઇકોનિક સપ્તાહ ઉજવણી અંતર્ગત ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ જામ ખંભાળિયા ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અને લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની વાળી કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે મળી તેમને ખરેખર યોજનાથી કેટલો લાભ થયો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.
જેમાં છેવાડાના નાનામાં નાના માનવીનો પણ સમાવેશ થઇ જાય તે લક્ષ્ય છે. કોરોના જેવી મહામારી બાદ આર્થિક તંત્રને મોટો ફટકો પડ્યો હતો. અનેક લોકોના વ્યવસાય પડી ભાંગ્યા હતા. આવા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા અને લોકોને આત્મ નિર્ભર બનાવવાના પ્રયાસના ભાગ રૂપે કેન્દ્ર સરકાર દ્વારા આ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા, જામનગરના રિજિયોનલ હેડ સુરેન્દ્રસિંહ રાઠોડે અને બેન્ક ઓફ બરોડા, રાજકોટ ઝોનના ડેપ્યુટી ઝોનલ હેડ એન.કે.સિંઘે બેન્ક દ્વારા આપવામાં આવતી વિવિધ લોન વિષે લાભાર્થીઓને માહિતી આપી હતી.