પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી બચાવવું ખુબ જરૂરી
1972માં સ્વીડનના સ્ટોકહોમમાં સંયુક્ત રાષ્ટ્રની માનવ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી આ પરિષદમાં ઔપચારિકપણે વિશ્વ પર્યાવરણ નો ઉલ્લેખ થયો હતો, તે દિવસ 5 જૂન હતો. ત્યાર પછીના વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસ ઊજવવાની શરૂઆત થઈ. સૌપ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 1973ના “એકમાત્ર પૃથ્વી”ના સ્લોગન પર ઉજવવામાં આવ્યો હતો. અત્યારે દેશ અને દુનિયાની પર્યાવરણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વન વગડા, ઝાડ – પાન કાપીને કારખાના અને મોટી મોટી ફેક્ટરી ઊભી કરવામાં આવે છે. ઔદ્યોગિક મશીન અને રસાયણ પ્રક્રિયાથી પ્રદુષણ વધતું જાય છે. નદી સરોવરના નીર માં રસાયણ પ્રસરવાથી લઈને ઈંધણથી વાહન ચલાવતા ધુમાડો હવામાં ફેલાય છે, પરિણામે હવા પણ પ્રદૂષિત થાય છે.”વૃક્ષ વાવો વરસાદ લાવો”આ સ્લોગન પ્રમાણે દરેક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવે તો પર્યાવરણને બચાવી શકાય છે. કુદરતી મૂળભૂત તત્વો ને બચાવવા થી પ્રદુષણ વધતું રોકી શકાય છે.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં વન્ય જીવ – જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજે પણ અશોક ના શિલાલેખો માં જોવા મળે છે. વિશ્વભરમાં ફળદ્રુપ જમીનની ઝડપી અધોગતિ ના કારણે વૈશ્વિક ખોરાક અને પાણીની સુરક્ષા માટે ખતરો છે. ભારતમાં લગભગ 30 ટકા ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે, તેથી ઉપજ માટે અસમર્થ છે. સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવે તફદય તજ્ઞશહ ઝુંબેશ દ્વારા 74 દેશોને પોતાના દેશમાં માટી બચાવવા માટે નક્કર પગલા લેવાની પ્રતિજ્ઞા લેવડાવી છે.
પૃથ્વી પર લગભગ 71 ટકા પાણી છે તેમાંથી ત્રણ ટકા પાણી જ ઉપયોગમાં લઈ શકાય તેવું છે. ઘણાં દેશોમાં પીવાના પાણીની અછત છે, પાણીને બનાવી શકાતું નથી પરંતુ બચાવી તો શકાય છે ને? પૃથ્વી પર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા પાણી બચાવવું ખૂબ જરૂરી છે, તેથી પાણીનો બગાડ થતો અટકાવી ને જળ સંરક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. નાના-મોટા જીવ જંતુ, પ્રાણી, પક્ષી, મનુષ્ય, વનસ્પતિ બધાને માટે પાણી અતિ આવશ્યક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના એક અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વના દર પાંચમાંથી એક વ્યક્તિ પાસે પીવાના પાણીની યોગ્ય સુવિધા નથી.”જળ બચાવો જીવન બચાવો” સુત્ર પ્રમાણે દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે પાણી વેડફવું જોઈએ નહીં.બીજી બાજુ ગામડાંઓ તૂટતાં જાય છે અને શહેરીકરણ વધતું જાય છે. ગામડાઓમાં દરેક કામ પગે ચાલીને થઈ જાય છે, ખેતીવાડી ના કામે દૂર જવાનું હોય તો બળદગાડા કે સાઈકલ નો ઉપયોગ થાય છે, જેથી ઇંધણ વપરાતું નથી. પરિણામે ગામડાઓની હવા શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત હોય છે.
ગામડાઓમાં કારખાના કે મશીનરીનો પણ ઉપયોગ બહુ ઓછો હોય છે, સામે વૃક્ષો અને લીલોતરી ખૂબ હોય છે જેથી ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. પરંતુ અત્યારે લોકોને સુખ સગવડ અને દેખાદેખી વાળુ જીવન ધોરણ વધારે પસંદ છે, જે કારણે ગામડાના લોકો શહેરોમાં વસવાટ કરવા આવે છે. શહેરોમાં સ્કુલ, ઓફીસ, માર્કેટ આ બધું દૂર-દૂર હોવાના કારણે વ્યક્તિદીઠ વાહન ની જરૂર પડે છે. ઈંધણ યુક્ત વાહનો ધુમાડો ફેકે છે. મોટા મોટા બિલ્ડીંગ, ફેક્ટરી, શોપિંગ મોલ થી ભરચક શહેરમાં વૃક્ષો જૂજ પ્રમાણમાં જોવા મળે છે, આથી દિવસેને દિવસે તાપમાન વધતું જાય છે.
એરકન્ડિશન, કુલર જેવા સાધનો વાપરવાથી હવા માં પ્રદૂષણ વધે છે. વાયુ પ્રદુષણના કારણે સમતાપ આવરણ મા આવેલા ઓઝોન વાયુના પડમાં પડેલા ગાબડાને ઘણા સમયથી માનવીના આરોગ્ય અને પૃથ્વીના પર્યાવરણ સામે એક મોટા પડકાર તરીકે ગણવામાં આવ્યો છે. વિશ્વના મોટાભાગના વાહનો, મશીનરી બધું ઇંધણથી ચાલે છે. વીજ પ્લાન્ટ ની ધુમાડા કાઢતી ચીમનીઓ અને કચરો બાળવાની ભઠ્ઠીઓ, ઇંધણને બાળતા અને ગરમી આપતા મશીનો, કૃષિ અને વન વ્યવસ્થા માં ઉપયોગમાં લેવાતા રસાયણો આ બધું હવામાં પ્રદૂષણ વધારનારું છે. પ્રદૂષણથી પર્યાવરણને બચાવવા “વધુ વૃક્ષો વાવો”ઝુંબેશ અતિ અનિવાર્ય છે.
SAVE SOIL, SAVE WATER, SAVE TREE આ ત્રણ વસ્તુ ને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ બિનજરૂરી પાણીનો વ્યય ન કરવો તેમજ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરીને, વૃક્ષોનું જતન કરીને પર્યાવરણની સુરક્ષા કરવી હિતાવહ છે.