તિક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધુ: મૃતકના ભાઈએ બનેવી સામે નોંધાવી ફરિયાદ
જૂનાગઢના ખડીયા ગામે ઘરકંકાસમાં પતિએ ધારદાર હથિયાર વડે પોતાની પત્ની ઉપર ઘાતકી હુમલો કરી દેતા પત્નીના ઘટના સ્થળે જ રામ રમી જવા પામ્યા હતા. આ ઘટના અંગે મરણ જનાર મહિલાના ભાઈએ જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાના ખોબા જેવા ખડીયા ગામમાં ખળભળાટ મચાવનાર આ ઘટનાની સિલસિલાબંધ હકીકત મુજબ ખડીયા ગામે રહેતા રામદેવ લાખાભાઈ ઢોલા (ઉં.વ. 45) ને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી ઘર કંકાસ ચાલતો હતો અને આ કારણોસર ગઈકાલે થયેલ પતિ-પત્નીની માથાકૂટમાં રામદે લાખાભાઈ એ તેની પત્ની લીલીબેન ઉપર ધારદાર હથિયાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો અને માથાના ભાગે ધારદાર હથિયારનો ઘા કરતા લીલીબેન લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ પડી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું.
આ હત્યા અંગે મરણ જનાર લીલીબેનના માંગરોળ તાલુકાના લોએજ ગામે રહેતા લખમણભાઇ ઉર્ફે લલિતભાઈ સોલંકી જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની બેન લીલીબેન સાથે તેના પતિ રામદેવ લાખાભાઈ ઢોલા વારંવાર નાની નાની બાબતોમાં માથાકૂટ કરતા હતા અને મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તે દરમિયાન ગઈકાલે સાંજના સવા સાત વાગ્યાના અરસામાં રામદે લાખાભાઈએ તેની બહેન લીલીબેન ઉપર ધારદાર હથિયાર વડે માથાના ભાગે ઇજા કરી દેતાં તેની બહેનનું મોત નિપજ્યું હતું.
જુનાગઢ વિભાગીય પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજા એ અબ તકને જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામે ગઈકાલે સાંજના સવા સાત વાગ્યાના અરસામાં લીલીબેન રામદે ઢોલા ની હત્યા કરાયા હોવાની ઘટના ઘટવા પામી હતી. જે અંગે પોલીસને જાણ થતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસનીશ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. તે સાથે મરણ જનાર મહિલાના ભાઇએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે અને આ ફરિયાદના આધારે મરણ જનાર મહિલાના પતિ સામે ઈ.પી.કો 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તથા મરણ જનાર મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.