હસનાવદર, કડસલા અને નાનાવાડા ગામોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે નક્કી થયેલા કામો અંગે સમીક્ષા કરાઇ
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
જિલ્લા કલેક્ટર રાજદેવસિહ ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતીની પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વેરાવળ તાલુકાના હસનાવદર, સુત્રાપાડા તાલુકાના કડસલા તેમજ કોડીનાર તાલુકાના નાનાવાડા ગામોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે નક્કી થયેલા કામો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આ તમામ નક્કી થયેલા ગામો પૈકી કેટલા કામો પૂર્ણ થયા? કેટલા કામો પ્રગતિ હેઠળ છે
તેમજ કેટલા કામો શરુ કરવાના બાકી છે તે અંગેની વિગતો સભ્ય સચિવ જિલ્લા પીએમએજીવાય સમિતિ અને નાયબ નિયામક અ.જા. એ.જે.ખાચરે આપી હતી. ઉપરાંત વાસ્મોના કામ, 15માં નાણાપંચ તથા જિલ્લા આયોજનના કામોની સમીક્ષા અને વ્યક્તિલક્ષી લાભાર્થીઓની સમીક્ષા જેવી કે, ટોયલેટની જરુરિયાત, સામૂહિક/વ્યક્તિગત શોષ ખાડાની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયતની બિલ્ડીંગ પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વિધવા પેન્શન, કુપોષિત બાળકો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના સહિતની વિગતે ચર્ચા કરી કલેકટરએ આ યોજના અંતર્ગત પસંદગી પામેલા ગામોમાં વિકાસના કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, ચીફ ઓફિસર ચેતન ડુડિયા તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.