• બેટી નદી ઉપર ડેમ બનાવવાના દ્વાર મોકળા
  • બેથી ત્રણ વર્ષ પૂર્વે રજુઆત થઈ હતી, પણ ત્યારે એરપોર્ટ ઓથોરિટીને જમીન મળી ન હતી, હવે જમીન મળી જતા તેના હસ્તકની જમીન ઉપર રૂ. 20.કરોડના ખર્ચે ડેમ બનાવવાનું આયોજન
  • ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની મહેનત રંગ લાવી: હવે સરકારમાં દરખાસ્ત થશે, મંજૂરી મળ્યે કામ આગળ ધપશે

રાજકોટ શહેર સહિત જિલ્લાને અત્યારે ભાદર, ન્યારી અને આજી ડેમ તેમજ સૌની યોજનામાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સારુ ચોમાસુ ગયા બાદ પણ રાજકોટને પીવાના પાણીની કાયમી કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ વસ્તી વધતા સમસ્યા વિકરાળ ન બને તે માટે હીરાસર એરપોર્ટ નજીક બેટી નદી ઉપર ડેમ બનાવવાને એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દીધી છે. હવે આ અંગે સરકારને દરખાસ્ત કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લામાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની સમસ્યા જોવા મળે છે. અનેક જગ્યાએ ટેન્કર રાજ ચાલુ થઈ જાય છે. આ ઉપરાંત રાજકોટે નર્મદા નીર પણ નિર્ભર રહેવું પડે છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ નજીક નવો ડેમ બનાવવા બે-ત્રણ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર ડેમ બનાવવા ગોવિંદ પટેલે કરેલી રજૂઆતને પગલે એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દીધી છે.

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં જ્યાં નાના-નાના ડેમ બની શકતા હોય તેવી જગ્યાએ પાણીનો સંગ્રહ કરવા ડેમ બનાવવા જરૂરી હોય, અમદાવાદ નેશનલ હાઇવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર જો નાનકડો ડેમ બને તો નદી પહોળી અને ઊંડી કરી શકાય. તેવી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રજુઆત કરી હતી. જેમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે છે. આ સાઈટ ધ્યાનમાં આવતા તેઓએ સરકારમાં માગણી કરી હતી. પરંતુ અત્યારના ગાળામાં એરપોર્ટ ઓથોરિટીને આપણે અરજી કરાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી નહોતી. જેના કારણે બે-ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. હવે એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી અને એનઓસી પણ આપી દીધી છે. એનઓસી મળ્યા પછી હવે જે-તે વિભાગ દ્વારા સરકારમાં મંજૂરી માટે રિપોર્ટ મોકલશે. આ મંજૂરી મળ્યા બાદ ડેમ બનાવવાની કામગીરી આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજકોટમાં ચોમાસાનો 100 ટકા વરસાદ વરસી ગયા બાદ પણ ઉનાળાના પ્રારંભે જ પાણીના ધાંધિયા સર્જાયા છે. જો કે, જે વિસ્તારો અને ગામડાઓમાં પાણીની કટોકટી સર્જાય છે. ત્યાં હાલ ટેન્કર મારફત પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ, આ માત્ર વપરાશનું પાણી હોય પીવાના પાણી માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

આથી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાને નિવારવા માટેનું પ્લાનિં શરૂ કરવામાં આવ્યું છે .

આગામી એક દાયકા બાદ સૌરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પીવાના પાણીની ઘેરી કટોકટી સર્જાનાર છે. આ માટે સરકાર દ્વારા અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. તે મુજબ આગામી 2050માં રાજકોટની વસ્તીનો પણ વધારો થનાર છે. તેને ધ્યાનમાં રાખીને નવા ડેમનો રસ્તો સાફ થયો છે.

ડેમ બનાવવાની રજુઆતનો સરકારે સકારાત્મક અભિપ્રાય આપ્યો: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

vlcsnap 2022 06 07 13h42m09s595

રાજકોટના પાણી સહિતના વિવિધ પ્રશ્ને હંમેશા લોકોને વાચા અપાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે બેટી નદી પર ડેમ બાંધવાની સરકારને રજૂઆત કરી હતી. સરકારે હકારાત્મક અભિગમ આપી આ કામ આગળ ધપાવ્યું છે. જેમાં એરપોર્ટ ઓથરિટી દ્વારા  ડેમ માટે એન.ઓ.સી. આપવામાં આવ્યું છે. આ અંગે અબતક સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ પાણીની અછત વાળો વિસ્તાર રહ્યો છે. પાણીની અછતના કારણે વિકાસ અટકે નહીં તે માટે હંમેશા પોતે કાર્યરત રહ્યા છે. જેના કારણે ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા બેટી નદી પર ડેમ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જે વિભાગ એરપોર્ટ ઓથોરિટીમાં આવતો હતો.

હાલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા બેટી નદી પર ડેમ બનાવવા માટે એન.ઓ.સી. આપવામાં આવી છે. જેના કારણે સામાકાઠા વિસ્તારને પાણીની સમસ્યાથી રાહત મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પોતાની રજૂઆતને ધ્યાને રાખી હમેશા સકારાત્મક અભિગમ અપનાવતાં ગોવિંદ પટેલે આનંદ વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.