અહિંસા સંઘ અને પૂર્વ ભારતના અનેક ક્ષેત્રોનાં ભાવિકોએ શોભાયાત્રા દ્વારા વધાવ્યા પૂજ્ય પરમ મહાસતીજીઓના આગમનને
પૂર્વ ભારતના કોલકાત્તા મહાનગરમાં બે ઐતિહાસીક ચાતુર્માસ કરીને હજારો ભાવિકોને ધર્મભાવથી ભાવિત કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સૌમ્યાજી મહાસતીજી આદિ ઠાણા 7 આગામી ચાતુર્માસ અર્થે કોલકાત્તા તરફ વિહાર કરતાં ઝારખંડ ક્ષેત્રના પિટરબારમાં પધારતા તેમનું ભક્તિભાવ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર પૂર્વ ભારત પર જેમનો અસીમ ઉપકાર છે એવા ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય જયંતમુનિ મહારાજ સાહેબે વર્ષો સુધી જે ભૂમિને કર્મભૂમિ અને સાધનાભૂમિ બનાવીને સંયમ જીવન વ્યતિત કર્યું હતું એવી આ પેટરબારની ભૂમિ પર સૌમ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ સમાધિજી મહાસતીજી, ઋજુતાજી મહાસતીજી, સમ્યક્તાજી મહાસતીજી, પ્રભુતાજી મહાસતીજી, પરમ વિભૂતિજી મહાસતીજી તેમજ સહજતાજી મહાસતીજીએ મુંબઈ ક્ષેત્રથી વિહાર કરતાં આકોલા, અમરાવતી, નાગપુર આદિ અનેક ક્ષેત્રોની સ્પર્શના સાથે શાસન પ્રભાવના કરીને પદાર્પણ કરતાં પૂર્વ ભારતના કોલકાત્તા, ઝરીયા, ધનબાદ, ચાસ, બોકારો આદિ અનેક ક્ષેત્રોના ભાવિકો, અહિંસા સંઘના ભાવિકો સાથે પેટરબારના ભાવિકો તેમજ અનેક જૈનેત્તર ભાવિકોએ લહેરાતા ધર્મધ્વજ, ગુંજતા બેન્ડ, મંગલ કળશથી શોભતી શોભાયાત્રા દ્વારા જયનાદ ગુંજવીને પૂજ્ય મહાસતીજી પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતો.
વિશેષમાં, પેટરબારમાં બિરાજીત દર્શનાબાઈ મહાસતીજી તેમજ સ્વાતિબાઇ મહાસતીજીએ વિશેષ ભાવો સાથે સૌમ્યાજી મહાસતીજી આદિ ઠાણા 7ને શૌલ ઓઢાળી તેઓનું સ્વાગત કર્યું હતું. આ અવસરે, કોલકાત્તાના નવલખા ઉપાશ્રય – બડા બજાર સંઘના ચંદ્રેશભાઈ મેઘાણી, ટોલીગંજ સંઘના નિકુંજભાઈ શેઠ, કામાણી સંઘના ઉમેશભાઈ દામાણી, પારસધામ સંઘના પ્રદીપભાઈ બેલાવાલા, હર્ષદભાઈ અજમેરા તેમજ ઝરીયા સંઘના દીપકભાઈ ઉદાણી, ધનબાદ સંઘના પ્રવીણભાઈ શાહ, ચાસ – બોકારો સંઘના કાજલબેન બાટવીયા અને બેરમોથી રાજુભાઈ મહેતા એ પરમ મહાસતીજીને શેષકાળ અર્થે પધારવા વિનંતી કરેલ.
ગોંડલ ગચ્છ શિરોમણી દ્વારા નિર્મિત પેટરબાર એવમ આજુબાજુના વિસ્તારના જૈનત્તર ભાવિકોનો સમૂહ-અહિંસા સંઘના ભાવિકોએ મહામંત્ર- નમસ્કાર મંત્રનું ગુંજન એવમ ભજનનું ગાન કરેલ અને અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા તેમને અન્નદાનની કીટ એવમ સાડી અર્પણ કરવામાં આવેલ.
કોલકાત્તા ચાતુર્માસ પધારી રહેલા આ સાત સાધ્વી રત્નાઓમાં જ્યારે પૂર્વ ભારતના ત્રણ-ત્રણ દીકરીઓ સંયમી આત્મા સ્વરૂપે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર પૂર્વ ભારતના ભાવિકો અનેરો આનંદ-ઉત્સાહ સાથે તેમને આવકારવા આતુર બની રહ્યા છે. પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજી આદિ ઠાણા 7નું ચાતુર્માસ અર્થે કોલકાત્તા મહાનગર પ્રવેશ 27મી જૂન, 2022ની સંભવિત છે.