વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ કેક કાપી પરિણામની ઉજવણી કરી: ઝળહળતાં પરિણામનો શ્રેય સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની મહેનતને જાય છે: પ્રિન્સિપાલ
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરેરાશ રાજ્યનું પરિણામ 65.18 ટકા આવેલું છે. આ તકે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની શાળાનું પરિણામ ખૂબ જ ઉંચુ આવ્યું છે. બીજી તરફ શાળાનાં સંચાલકોનું માનવું છે કે જે ઝળહળતું પરિણામ આવ્યું છે. તેનો સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓની મહેનતને જાય છે. બીજી તરફ વિદ્યાર્થીઓનાં પરિણામને જોઇ વાલીઓમાં પણ થનગનાટ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું ધો.10નું પરિણામ સારૂ આવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કેક કાપી ઉજવણી કરી હતી અને દરેક લોકો ગરબાનાં તાલે ઘૂમ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની મોટાભાગની સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું હતું ત્યારે ‘અબતક’ મિડીયા દ્વારા રાજકોટ ઓસમ પાઠક સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ સાથેના શ્રેષ્ઠ પરિણામ અંગેના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓસમ પાઠક સ્કૂલનું ઝળહળતું પરિણામ આવ્યું હતું. પાઠક સ્કૂલના ઘણા ખરા વિદ્યાર્થીઓએ કે જેઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો અને મોટાભાગના વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડમાં સ્થાન મેળ્યુ હતું.
વિદ્યાર્થીઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક વર્ષની અથાગ મહેનત તેમજ સ્કૂલમાં ટ્રસ્ટી, શિક્ષકો, પ્રિન્સિપાલ અને વાલીઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો. આ ઉપરાંત દરરોજ અમારી 12 થી 14 કલાકની મહેનત ખરા અર્થમાં આજે રંગ લાવી છે. આગામી સમયમાં હવે અમે ધો.11માં પ્રવેશ મેળવીશું. જે રીતે ધો.10નું પરિણામ આવ્યું છે તેના કરતાં પણ ધો.12માં અમે વધુ મહેનત કરીને ઓસમ પરિણામ મેળવીશું. તેવો અમને વિશ્ર્વાસ છે.
મારા વિદ્યાર્થીઓ ઉપર મને ખૂબ જ ગર્વ થાય છે : દીલીપ પાઠક
ઓસમ પાઠક સ્કૂલનાં દીલીપ પાઠકે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વ થાય છે એટલું જ નહિં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. જેને સારૂ પરિણામ મળ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ શાળાનું પરિણામ ખૂબ જ સારૂં આવશે અને તેના માટે દરેક પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
અંતે મારી મહેનત રંગ લાવી: શ્યામ કાછડીયા
ઓસમ પાઠક સ્કુલમાં અભ્યાસ કરતા ધો.10ના શ્યામ કાછડીયાને અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા જે મહેનત કરવામાં આવી હતી, તે રંગ લાવી સાથો સાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષા આપશે તેઓએ નિયમિત શેડ્યુલ બનાવું જોઇએ અને વિવિધ પેપર સોલ્વ પણ કરવા જોઇએ, જેથી સારૂ પ્રદર્શન થઇ શકે.