કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રના માઇક્રો મેનેજમેન્ટથી વીરાંજલી પ્રોગ્રામ સફળ થયો
સાંસદ નારણભાઈ કાછડીયાએ વીરાંજલિ કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો.
વિક્રમ સવંત 2078 જેઠ સુદ પાંચમ, રાજ્યના રમતગમત સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત અને વીરાંજલિ સમિતિ દ્વારા પ્રેરિત વીરાંજલિ કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો. કામાણી ફોરવર્ડ હાઇસ્કૂલના મેદાનમાં આ કાર્યક્રમ પ્રથમવાર યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી અમરેલીના મંચ પરથી વતનના વિસરાયેલા શહીદોને વીરાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે સાંસદ નારણભાઈ કાછડીયાએ વીરાંજલિ કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ અદ્દભૂત કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પ્રસરાઈ છે ત્યારે નવી પેઢી દેશના શહીદોએ આપેલા બલિદાનને ભવ્ય ઈતિહાસને ભૂલે નહીં એ જરૂરી છે.’
વીરાંજલિ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ખાસ કરીને ઇ.સ.1857ના પ્રથમ સંગ્રામથી લઈ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના માંચડે ચઢાવી દીધા ત્યાં સુધીની ઐતિહાસિક તવારીખને જીવંત કરતો એક અદ્ભૂત ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમ હતો. સાંઈરામ દવેની આગેવાનીમાં 150 જેટલા કલાકારોએ આ કાર્યક્રમમાં શહીદોની શહાદતને મંચ પર જીવંત કરી હતી. સાંઈરામ દવે અને વિમલ મહેતા દ્વારા અમરેલી જિલ્લાની ગાથા વર્ણવતું તૈયાર કરાયેલા ઓડિયો વિઝ્યુઅલ ગાયન ‘અમરેલી…’નુ વિમોચન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડો. જીવરાજ મહેતા ટ્રસ્ટના પૂસ્તક ‘આયુર્વેદનું આધ્યાત્મ’નું પૂન: વિમોચન પણ આ તકે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મોવલિયા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ વેકરિયા, ગોધાણી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હીમકર સિંઘ, વિવિધ કચેરીના અધિકારીઓ અને પદાધિકારી સહિત અમરેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.