વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સ્થિત BHU માં છાત્રાઓ પર શનિવારે રાતે થયેલ લાઠીચાર્જ મામલે નૈતિક જવાબદારી લેતા ચીફ પ્રોક્ટર ઓ.એન. સિંહે રાજીનામું આપી દીધું છે. ૨૬ સપ્ટેમ્બરે રાતે વીસી જીસી ત્રિપાઠીએ રાજીનામું મંજુર કરી લીધું છે. મંગળવારે જ કમિશ્નરે પોતાનો રીપોર્ટ પ્રશાસનને સોંપ્યો, જેમાં તેમણે વિશ્વવિદ્યાલય પ્રશાસનને જવાબદાર ગણાવ્યું છે. કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષી દળોએ કુલપતિને તાત્કાલિક હટાવવાની માંગણી કરી છે. વારાણસીના કમિશ્નર નીતિન ગોકર્ણને મુખ્ય સચિવ રાજીવ કુમારને પોતાનો રીપોર્ટ સોંપી દીધો છે.
રીપોર્ટમાં તેમણે વિશ્વવિદ્યાલયના પ્રશાસનને આરોપી ગણાવ્યું છે. આ દરમિયાન બીએચયુ પ્રશાસને આ મામલાની ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. શાસન સાથે જોડાયેલ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગોકર્ણે પોતાનો રીપોર્ટ મુખ્ય સચિવને મોકલી દીધો છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીએચયુ પ્રશાસને પીડિતાની ફરિયાદ પર સંવેદનશીલ રીતે ધ્યાન નથી આપ્યું અને સમય રહેતા તેનું સમાધાન કરવામાં નથી આવ્યું. રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જો સમય રહેતા આ મામલાને ઉકેલવામાં આવ્યો હોત તો આટલો મોટો વિવાદ ન થાત.
આ દરમિયાન, કુલપતિ ગીરીશ ચંદ્ર ત્રિપાઠીએ પોતાના બચાવમાં કહ્યું કે, કાર્યવાહી તે લોકો પર કરવામાં આવી, જે વિશ્વવિદ્યાલયની સંપત્તિને આગ લગાવી રહ્યા હતા. તેમણે છાત્રાઓ પર થયેલ લાઠીચાર્જ અને પરિસરમાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હોવાની વાતને નકારતા કહ્યું કે, વડાપ્રધાનના દોરને પ્રભાવિત કરવા માટે ‘બહારી તત્વો’ એ કેમ્પસનો માહોલ બગાડ્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો કેમ્પસમાં પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હતા, પથ્થરમારો કરી રહ્યા હતા. કોઈ પણ છાત્રા પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. કાર્યવાહીનું એક પણ પ્રમાણ નથી.