ગરીબ પરિવારોની દીકરીઓએ વધાર્યું ગૌરવ
રાજકોટ મહાપાલિકા સંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું રેકોર્ડબ્રેક 95 ટકા પરિણામ
ગુજરાત હાયર સેકેન્ડરી બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ કેન્દ્રનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. મહત્વની બાબતએ છે કે રાજકોટ મનપા સંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું રેકોર્ડબ્રેક પરિણામ 95 ટકા જાહેર થયું છે. ખાસ કરીને ગરીબ માવતરની દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરતી હોય છે. ‘અબતકે’ આજે શાળાની મુલાકાત લઇ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ ઇન્ટરવ્યૂ કર્યાં, જેમાં રશ્મી ગતીયા નામની એક વિદ્યાર્થીની પોતાના મમ્મી સાથે પાપડ વણવાનું મજૂરી કામ કરે છે છતાં તેણે 97.90 પીઆર પ્રાપ્ત કર્યાં છે! આવી જ રીતે અન્ય વિદ્યાર્થીનીઓ પણ પ્રેરણાત્મક વાતો કરી. વિદ્યાર્થીનીઓએ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકોને યશના અધિકારી ગણાવ્યા.
રશ્મિ ભાવસીંગભાઇ ગતીયા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પોતાના પિતા મજૂરી કામ કરે છે અને માતા પાપડ વણવાનું કામ કરે છે. પોતે મમ્મીને મદદ કરવા અને બે પૈસાની આવક વધુ થાય એટલા માટે વહેલી સવારે ઉઠીને પાપડ વણવાનું મજૂરી કામ કરતી રહી છે. દરરોજ પોતાને દોઢ-બે વાગ્યે ઉઠવું પડે છે. સવાર સુધી પાપડ વણે પછી અભ્યાસ કરે. આમ કરીને પણ તેણે 97.90 પીઆર હાંસલ કર્યા છે. રશ્મિએ કહ્યું કે અમારા પરિવારમાં હું એકમાત્ર સભ્ય છું, જેણે 12મું ધોરણ પાસ કર્યું હોય!
નિકિતા નિતીનભાઇ મકવાણા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પોતે જ્યારે 2 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું હતું. પોતે નાના-નાની સાથે રહીને મોટી થઇ છે. આજે નિકિતાએ પણ 97.90 પીઆર મેળવીને ડંકો વગાડી દીધો છે.
માનસી ડાયાભાઇ જાદવે કહ્યું કે તેના માતા-પિતા ઇમીટેશન જ્વેલરીનું મજૂરી કામ કરે છે અને પોતે પણ માતા-પિતાને મદદ કરવા આ કામ કરે છે. છતાં તેણે પણ 97.90 પીઆર પ્રાપ્ત કર્યા છે. સ્નેહા હર્ષિદપરી ગોસ્વામીના પિતા મજૂરી કરે છે. ઘરની સ્થિતિ સાવ સામાન્ય છે છતાં પોતે
ગરીબ પરિવારની દીકરીઓ ઊંચુ પરિણામ લઇ આવે તે અમારે માટે ગૌરવની વાત: સોનલબેન ફળદુ
સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ સોનલબેન ફળદુએ ‘અબતક’ને જણાવ્યું કે 1991થી શરૂ થયેલી આ શાળામાં છેલ્લા 7 વર્ષથી 12મું ધોરણ શરૂ થયું છે પણ આ વખતનું 95 ટકા પરિણામ રેકોર્ડબ્રેક છે. રાજકોટની અન્ય સરકારી શાળાઓ કરતા પણ આ શાળાનું પરિણામ ઊંચુ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમારા શિક્ષકગણનું નિષ્ઠા અને મહેનત સાથે વિદ્યાર્થીનીઓનો અભ્યાસ પ્રત્યેનો લગાવ ઉપરાંત વાલીઓની શાળા પ્રત્યેની લાગણીને કારણે આ પરિણામ આવ્યું છે. શાળા જ્યારે પણ વાલીને બોલાવે અથવા સૂચના આપે ત્યારે તેઓ અવશ્ય હાજર રહે છે અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે છે. સાવ સામાન્ય પરિવારની દીકરીઓ મજૂરી કામ કરતા-કરતા પણ આટલા ઊંચા પીઆર લઇ આવે તે અમારે માટે ખૂબ ગૌરવની વાત છે.