આંગડીયા કર્મચારી જે બસમાં હતો તેમાં બે ગઠીયા અગાઉ બેસી ગયા બાદ બસ હોટલે ઉભી રહી ત્યારે સ્કુટર પર આવેલા ગઠીયા સાથે ત્રણે લૂંટારૂ ભાગી ગયા
મોરબી કચ્છ હાઇવે ઉપર માધવ હોટલે રાપરથી રોકડ રકમનો થેલો લઈ મોરબી આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં થેલો રેઢો મૂકી ચા – પાણી પીવા નીચે ઉતરતા ગઠિયો ભેટી જતા રૂપિયા 62.50 લાખની રોકડ રકમ ગુમાવવી પડી છે. રોકડ ભરેલ થેલાની ઉઠાંતરી કરવામાં ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને રૂપિયા ભરેલો થેલો લઈ ગઠિયા હળવદ તરફ નાસી ગયાનું સીસીટીવીમાં બહાર આવ્યું છે.જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે. આંગડીયા પેઢીના કર્મચારીઓ રોકડ ભરેલો થેલો રેઢો મૂકી બેદરકારી દાખવતા પોલીસે તેની પણ પૂછપરછ કરી છે.
મોરબી જિલ્લામાં તસ્કર લૂંટારુઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સવારે રાપર રાજકોટ રૂટની એસટી બસમાં બેસી મોરબી રોકડ રકમ આપવા આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે માળીયા નજીક આવેલી હોટલ માધવ ખાતે ચા – પાણી પીવા નીચે ઉતર્યા હતા ત્યારે પાછળથી ગઠિયો બસમાં રહેલ રોકડ રકમનો થેલો લઈ પળવારમાં છનન થઈ ગયો હતો.જે ગઠિયાઓ હળવદ તરફ ગયા હોવાનું સામે આવ્યું છે.
લૂંટમાં જાણભેદુની સંડોવણી: પોલીસે લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી મહાદેવભાઈ રામભાઈ વાઘમારે ઉ.43 રહે.રાપર વાળા કાળા કલરના થેલામાં રોકડા રૂપિયા 62.50 લાખ લઈને મોરબી ચૂકવણા માટે આવતા હતા અને માધવ હોટલ બસે સ્ટોપ કરતા કર્મચારી બેદરકારી દાખવી થેલાને રેઢો મૂકી નીચે ઉતરતા જ ચોર ગઠિયાએ ચોરીને અંજામ આપ્યો હતો.ઘટનાની જાણ થતાં જ માળીયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હોવાનું અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવ્યા હતા.જેમાં બે ગઠિયા બસમાં સાથે મુસાફરી કરતા હોવાનું અને એક ગઠિયો પાછળ સ્કુટરમાં આવતો હોવાનું બહાર આવ્યું છે. થેલો તફડાવવામા જાણભેદુની સંડોવણીની શંકા વ્યકત થઈ રહી છે.
બીજી તરફ હોટલ અને આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઈશ્વર બેચર આંગડિયા પેઢીની 62.50 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈ ગઠિયાઓ હળવદ તરફ નાસી ગયાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.