દેશમાં 14 લાખના મૃત્યુ સામે 8 લાખ બાળકોનો જ જન્મ!!!
ઘટતી વસ્તીની સમસ્યાનો સામનો કરી રહેલા જાપાનમાં જન્મદરના ઘટાડાએ સવા સો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 2021 માં જન્મ દરમાં ઐતિહાસિક ઘટાડાથી વૃદ્ધના દેશ ગણાતા જાપાનમાં કાર્યબળની કટોકટી વધુ વકરી છે. આરોગ્ય અને શ્રમ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ગયા વર્ષે માત્ર 8,11,604 બાળકોનો જન્મ થયો હતો અને 2020 ની સરખામણીમાં આ સંખ્યા 29,231 જેટલી ઓછી છે. સામે મૃત્યુ પામનારની સંખ્યા 14 લાખ નોંધાઇ છે.
અધિકારીઓએ જણાવ્યું કે 1899માં જન્મેલા નવજાત શિશુનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું ત્યારથી આ તેમનો સૌથી ઓછો આંકડો છે. તે જ સમયે, લગ્ન કરનારા યુગલોની સંખ્યા પણ ઘટીને 5,01,116 થઈ ગઈ છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછીનું સૌથી નીચું સ્તર છે. મંત્રાલયે જણાવ્યું કે, 2021ના આંકડાઓ અનુસાર, મહિલા દ્વારા તેના જીવનકાળમાં જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા પણ ઘટીને 1.30 થઈ ગઈ છે. જાપાનમાં ઘણા વર્ષોથી ઘટતી વસ્તી એક મોટો પડકાર છે.
લગ્નો પણ ઓછા થઈ રહ્યા છે
ગયા વર્ષે જાપાનમાં 501,116 લગ્ન થયા હતા. આ 2020ની સરખામણીમાં 24,391 ઓછા છે. તેની અસર દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ પર પણ પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર, જાપાનમાં મોટાભાગના યુવાનો પણ લગ્ન કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. ઓછા બાળકો અને ઓછી યુવા વસ્તી દેશ માટે સંકટ બની રહે છે. આ કારણે પરિણીત મહિલાઓ પર બીજા બાળક માટે દબાણ કરવામાં આવે છે જેથી વસ્તી વધે અને દેશનો જન્મ દર પણ વધી શકે.
અહીં વિશ્ર્વમાં સૌથી નીચો પ્રજનન દર
આંકડા મુજબ, જાપાનમાં પ્રજનન દર વિશ્વમાં સૌથી નીચો છે. યુવાનોની ઘટતી જતી વસ્તીને કારણે અહીં કામદારોની સંખ્યા ઘટી રહી છે. જાપાનને ’સુપર-એજ’ દેશ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે જાપાનની 20% થી વધુ વસ્તી 65 વર્ષથી વધુ વયની છે. 2018માં દેશની કુલ વસ્તી 12.40 કરોડ હતી. નિષ્ણાતો કહે છે કે 2065 સુધીમાં વસ્તી ઘટીને લગભગ 8.8 કરોડ થઈ શકે છે.
વસ્તી ઘટવા પાછળ ઘણા કારણો
જાપાનમાં વસ્તી ઘટવા પાછળ ઘણા કારણો હોવાનું કહેવાય છે. જાપાનમાં જન્મ અને ઉછેરનો ખર્ચ ઘણો વધારે છે, તેથી માતા-પિતા વધુ બાળકો પેદા કરવા માંગતા નથી. આની સાથે જ અહીં મોટી સંખ્યામાં વર્કિંગ વુમન પણ છે, જેના કારણે મહિલાઓ બાળકને પ્રાધાન્ય આપતી નથી. જાપાનની વસ્તીમાં સતત ઘટાડા માટે વૃદ્ધાવસ્થાના લગ્નો અને અપરિણીત વસ્તીમાં વધારો પણ જવાબદાર છે.
વસ્તી ઘટાડાથી જાપાનને ઘણું નુકસાન થયું
નિષ્ણાતોના મતે ઝડપથી ઘટી રહેલી વસ્તીના કારણે જાપાનને અનેક રીતે નુકસાન થઈ શકે છે. યુવાનોની વસ્તી ઘટવાથી જાપાનના જીડીપી અને વિકાસ દર પર નકારાત્મક અસર પડશે. તે જ સમયે, દેશમાં પેન્શન સિસ્ટમ સહિત સામાજિક કલ્યાણની ઘણી મહત્વપૂર્ણ નીતિઓ આનાથી પ્રભાવિત થઈ શકે છે. આ સાથે, દેશના કેટલાક સમુદાયોને અસ્તિત્વના સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.