હેરોઇનનો જથ્થો શોધવા મધદરિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
થોડા દિવસો પહેલા ગુજરાતના દરિયાકાંઠે એક બોટમાં સાત પાકિસ્તાની દાણચોરોની ધરપકડના મામલામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ મોટો ખુલાસો કર્યો છે. એટીએ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓ માદક દ્રવ્યોની દાણચોરી કરવાનો ઇરાદો ધરાવતા હતા પરંતુ એટીએસ ટીમને જોતા જ તેઓ ડરી ગયા અને ડ્રગ્સ ભરેલી બે બેગ દરિયામાં ફેંકી દીધી હતી. આ સાતેય શખ્સો પાસે રૂ. 250 કરોડનો 50 કિલો હેરોઇનનો જથ્થો હતો જે એટીએસને જોતા જ તેમણે દરિયામાં પધરાવી દીધો હતો. હાલ તેમણે હેરોઇનનો જથ્થો જ્યાં ફેંક્યો હતો ત્યાં ઊંડાણ સુધી સર્ચ હાથ ધરી દેવામાં આવ્યું છે.
31 મેના રોજ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડએ ગુરુવારે કચ્છમાં દરિયાકાંઠે એક બોટમાંથી સાત પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. અલ-નુમાન નામની બોટને પછી દેવભૂમિ દ્વારકાના ઓખા કિનારે લઈ જવામાં આવી હતી, જ્યાં ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર તે દરમિયાન બોટમાંથી કોઈ નશાકારક પદાર્થ મળ્યો ન હતો.
ત્યારબાદ ગુજરાત એટીએસ અધિકારીઓએ શુક્રવારે દાવો કર્યો હતો કે આરોપીઓ કથિત રીતે બોટમાં માદક દ્રવ્ય હેરોઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેને કચ્છના જખૌ કિનારેથી ભારતીય જળસીમામાં લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી હતી કે, તેઓ હેરોઇનનો જથ્થો ભારતીય સરહદમાં ઘુસાડવાના બદ ઈરાદાથી જ આવ્યા હતા. તેમની પાસે રૂ.250 કરોડની કિંમતનો 50 કિલો હેરોઇન જથ્થો બે બેગ સ્વરુપે હાજર હતો પણ એટીએસને આવતા જોઈ તેમણે આ જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો.
ધરપકડ કરાયેલા સાત લોકોની ઓળખ મોહમ્મદ અકરમ બલોચ, ઝુબેર બલોચ, ઈશાક બલોચ, શહીદ અલી બલોચ, અશરફ બલોચ, શોએબ બલોચ અને શહજાદ બલોચ તરીકે કરવામાં આવી છે. એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સાત પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનના બલૂચ પ્રાંતના ગ્વાદર બંદરેથી અલ-નૌમાન નામની બોટમાં રવાના થયા હતા.