એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ડિપોઝીટ ઉપર વ્યાજદર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાના પ્રસ્તાવને સરકારની લીલીઝંડી
વર્ષ 2021-22 ના એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે ઇપીએફ માટે સરકારે 8.1 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. આ 4 દાયકામાં સૌથી ઓછું છે.આ પહેલાં માર્ચમાં એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાકીય વર્ષ 2021-22 માટે પ્રોવિડેન્ટ ફંડ ડિપોઝિટ પર વ્યાજ દર 8.5 ટકાથી 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.
એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને માર્ચ મહિનામાં 8.5 ટકાથી ઘટાડીને 8.1 કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. જે ગત ચાર દાયકાનું આ સૌથી ઓછું વ્યાજ દર છે. તેની અસર 6.4 કરોડથી વધુ કર્મચારીઓ પર પડી છે. શ્રમ મંત્રી ભૂપેંદર યાદવની અધ્યક્ષતામાં ગુવાહાટીમાં થયેલી ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
શુક્રવારે ઇપીએફઓ ઓફિસ દ્રારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રમ મંત્રાલયે એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના સભ્યોના ખાતામાં 8.1 ટકાના દરથી વર્ષ 2021-22 માટે વ્યાજ દર ટ્રાન્સફર કરવાની પરવાનગી આપી છે. શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને આ પ્રસ્તાવ મોકલી દીધો.
હવે સરકારની તરફથી વ્યાજ દરોની મંજૂરી મળી ગયા બાદ ઇપીએફઓ દ્રારા ખાતાધારકના એકાઉન્ટમાં વ્યાજના પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગત ચાર વર્ષોમાં ઘણીવાર ઇપીએફઓના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ 2019-20માં ખાતાધારકોને 8.5 ટકાના વ્યાજ દર ચૂકવવામાં આવતું હતું. વર્ષ 2018-19 માં વ્યાજદર 8.65 ટકા હતું, જ્યારે વર્ષ 2017-18 માં 8.55 ટકા. વર્ષ 2011-12 માં ઇપીએફના વ્યાજ દર 8.1 નક્કી કરવામાં આવ્યા હતા.