સાયકલો ભાડે અપાતી હતી: સારી સાયકલ સ્ટેટ્સ સિમ્બોલ ગણાતુ હતુ
આજે 3 જૂન સમગ્ર વિશ્ર્વ સાયકલ દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સોમનાથ દાદાની નગરી પ્રભાસ-પાટણમાં એક જમાનામાં સાયકલનો દબદબો હતો બલ્કે કહો કે રજવાડું હતું. કામકાજ અર્થે કે ફરવા સાયકલ ભાડે અપાતી જેનું કલાકનું ભાડું બે આના, ચાર આના લેખે ફેરવવા કે લઇ જવા ભાડે મળતી જેમાં લઇ જનારે દુકાનદાર પોતાનું નામ લઇ ગયા સમય લખાવી સાયકલ લઇ જતા.
સોમનાથના મોટા ઝાંપા પાસે મેઇન બજારમાં છેલ્લા 60 વરસથી ત્રણ પેઢીથી સાયકલ દુકાન ધરાવતા ‘મહેષ સાયકલ’ સ્ટોરના પ્રદીપ જોશી કહે છે, અમો હવે સાયકલ ભાડે આપતા નથી માત્ર રીપેરીંગ જ કરીએ છીએ. 42 વર્ષથી જેની બીજી પેઢી સાયકલનો સ્ટોર ધરાવે છે તેવા સફર સાયકલના સબીર મહમદ ગોહેલ કહે છે ‘અમે પણ કેટલાય વર્ષોથી સાયકલ ભાડે નથી આપતા પરંતુ પંચર કામ, ઓઇલ સર્વિસ, ટાયર બદલવું અને બાઇકનું પણ આ રીતનું કામ કરી જીવનની રોજીરોટી મેળવીએ છીએ.
સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે ‘તે જમાનામાં સાયકલનું પણ લાયસન્સ લેવું પડતું અને નગરપાલિકામાંથી જે નંબર મળે તે દર્શાવવા પડતા રાત્રે સાયકલ ઉપર બેટરી ચાર્જીંગ ફાનસ રાખવું પડતું બાકી પોલીસ કેસ કરતી. આજે જેમ પાર્કિંગના બોર્ડો છે તેમ સાયકલ પાર્કિંગના બોર્ડ જાહેર સ્થળોએ જોવા મળતાં.
પ્રભાસમાં આજે એવી પેઢીએ જીવતી છે કે જેઓ સ્કૂલ, કોલેજ દૂરના ગામે હોવાથી સાયકલ ઉપર ભણવા ગયેલા છે. તો તાકીદ સમયે દર્દીને દવાખાને લઇ જવા તે સમયે સાયકલ હાથ વગુ વાહન હતું.
સોમનાથ ટ્રસ્ટના સમુદ્ર તટે આવેલા વોક-વે ઉપર લોકો વોક-વેનો આનંદ લઇ શકે તે માટે સાયકલ કલાકના ભાડા પેટે આપવામાં આવે છે. તે સમયના નિશાળ ગીતોમાં પણ સાયકલ કેન્દ્રમાં રહેતી જેમકે ‘સાયકલ મારી સરરર….જાય, ટોકરી બજાવતી જાય તો ફિલ્મના ગીતો અને દ્રશ્યોમાં સાયકલ દેખાતી જેમ કે “માના જના બને પુકારા નહીં’, ‘બન કે પંછી, ગાયે પ્યાર કા તરાના’, ‘સાંવરે ચલોને આયે દિન બહાર કે’ લોકો પોતાના ઘરના બાળકોને ફેરવવા કે પ્રસંગે લઇ જવા સાયકલના આગળના ભાગે લોખંડની બેઠક સીટ નખાવતાં.