બે વર્ષ ઘરમાં પુરાયા બાદ હવે સહેલાણીઓમાં ચાલુ વર્ષે ટ્રાવેલિંગમાં 7 ગણો વધારો જોવા મળ્યો હિલ સ્ટેશન સાથે ચાર ધામની યાત્રામાં પણ ભારે ધસારો, રેલવેએ નવી ટ્રેનો દોડાવવી પડી
કોરોના કાળ દરમિયાન લોકો સંક્રમણના ભયથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસ તળીયે પહોંચતા જ બાળકો સાથે પરિવારજનો દેશમાં ફરવા માટે નીકળી પડ્યા હતા. જો કે હજુ કોરોનાની બીકને કારણે લોકો વિદેશ જવાનું ટાળી રહ્યા છે અને દેશમાં જ પરિભ્રમણ કરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે પશ્ર્ચિમ રેલવે દરમિયાન ઉનાળા દરમિયાન સ્પેશિયલ સમર 28 મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ચાલુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા માટે અને ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા માટે પશ્ર્ચિમ રેલવેએ સમાન રચના, સમય અને રસ્તાઓ ઉપર વિશેષ ભાડાઓ સાથે 14 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ટ્રીપ લંબાવી છે. ખાસ તો વાત કરીએ તો ટ્રેનોમાં પણ ચાલુ વર્ષે મસમોટું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ કોરોના હળવો થતાં આ વર્ષે ઉનાળું વેકેશનમાં ગુજરાતીઓ એડવેન્ચર ટ્રીપમાં તેમજ હિલસ્ટેશન સાથે ચારધામની યાત્રામાં નીકળી ગયા છે. આ માટે રેલવેએ ખાસ અલગ વ્યવસ્થા કરી છે.
પશ્ર્ચિમ રેલવેના જણાવ્યા મુજબ બાંદ્રા-ઇજ્જતનગરની ટ્રેન 26મી જૂન સુધી લંબાવવામાં આવી છે. ઉધના-બનારસ સુપરફાસ્ટ 26મી જૂન સુધી લંબાવવામાં આવી છે. બાંદ્રા-બાંડમેર ટ્રેન 29મી જૂન સુધી લંબાવવામાં આવી છે જ્યારે આ ટ્રેન રિટર્ન આવે તેની અવધી 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત બાંદ્રા-અજમેર 15મી જૂનને બદલે 29મી જૂન સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત ઉધના-રીવા સાપ્તાહિક વિશેષ ટ્રેન 17મીને બદલે 24મી જૂન સુધી લંબાવાઇ છે. તેમજ ટ્રેન નં.0967 બાંદ્રા-ઉદયપુર સીટી વિક્લી સ્પેશિયલ ટ્રેન 13મીને બદલે 27મી જૂન સુધી લંબાવાઇ છે.
ગુજરાતમાંથી ચાલતી ટ્રેન સુરત-ભાટીયા સાપ્તાહિક વિશેષ ટ્રેન 9મીને બદલે 30મી જૂન સુધી લંબાવાઇ છે. આ ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ-કાંઠગોદામ સાપ્તાહિક વિશેષ ટ્રેન 15મીને બદલે હવે 29મી જૂન સુધી દોડશે.
ટ્રેન નં.09097 બાંદ્રા-જમ્મુ તાવી સાપ્તાહિક વિશેષ ટ્રેન 12મીને બદલે 26મી જૂન સુધી લંબાવાઇ છે. મુંબઇ સેન્ટ્રલ-બનારસ વિક્લી સ્પેશિયલ ટ્રેન 15મીને બદલે 29મી જૂન સુધી લંબાવાઇ છે. મુંબઇ સેન્ટ્રલ-કાનપુર વિક્લી સ્પેશિયલ ટ્રેન 11મીને બદલે 25મી જૂન સુધી લંબાવવામાં આવી છે. બાંદ્રા-ગાંધીધામ સાપ્તાહિક વિશેષ ટ્રેન 16મીને બદલે 30 જૂન સુધી લંબાવાઇ છે. આ ઉપરાંત ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સાપ્તાહિક વિશેષ ટ્રેન 14ને બદલે 28મી જૂન સુધી લંબાવવામાં આવી છે.
આજથી ઓખા-દિલ્હી, સરાઇ-રોહિલ્લા વચ્ચે ટ્રેન શરૂ
આજથી પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને ઓખા-દિલ્હી તેમજ સરાઇ-રોહિલ્લા વચ્ચે આજથી સ્પેશિયલ ટ્રેન શરૂ થઇ રહી છે. આ સ્પેશિયલ ટ્રેન આગામી તારીખ 28મી જૂન સુધી દોડશે. આ અગાઉ આ ટ્રેન 13મી જૂન સુધી દોડાવવાનો નિર્ણય કરાયો હતો પરંતુ હવે યાત્રીકોના ઘસારાને પહોંચી વળવા આ ટ્રેન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.