લખતરના બજરંગપુરા ગામે 300 જેટલા વિદેશી પક્ષીનો વસવાટ
ભારતની ત્રણ ઋતુમાંથી શિયાળાની ઋતુ રશિયા, સાઈબેરિયા, યુરોપની બોર્ડર ઉપર આવેલ દેશ અને તેના જંગલમાં વસતા પક્ષીઓ માટે અતિ અનુકૂળ છે. તેમાંય ગુજરાતના કડી પાસેના થોળ તળાવ, વિશ્વ વિખ્યાત નળસરોવર, કચ્છનું રણ સહિત સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડામાં વિદેશી પક્ષી શિયાળો ગાળવા ઉતરી આવે છે.આ દરમ્યાન તે અનુકૂળ જગ્યાએ ઈંડા મૂકી બચ્ચા ઉછેરે છે.
શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવે છે. ગત શિયાળામાં પણ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં પહોંચ્યા હતા, જે આ બીજા શિયાળા સુધી રોકાઈ તેમના બચ્ચા સાથે પોતાના વતન તરફ પ્રયાણ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બજરંગપુરા ગામે આશરે 300 જેટલા વિદેશી પક્ષી વસવાટ કરી રહ્યા છે. લખતર તાલુકાના બજરંગપુરા ગામમાં શક્તિમાતા મંદિર પાસેના અતિ અનુકૂળ વાતાવરણમાં વસવાટ કરતા વિદેશી પક્ષીઓને મંદિરના પૂજારી દ્વારા દરરોજ અનાજ પીરસવામાં આવે છે. વિદેશી પક્ષીઓ પણ પોતાના બચ્ચા સાથે હોંશે હોંશે અનાજ ચણવા ઉતરી આવે છે તેમની સાથે રાષ્ટ્રીય પક્ષી મોર પણ અનાજ ચણતા જોવા મળે છે.