વિશ્વના સૌથી જૂના વ્યવસાયમાં આજે 21મી સદીમાં ઘણી યાતનાઓ વચ્ચે મહિલાઓ કરી રહી છે કાર્ય
આજે વિશ્વ સેક્સ વર્કર દિવસ છે ત્યારે તેના અધિકારો માટેના વિવિધ સહયોગી કાર્યમાં સમાજમાં જાગૃત્તિ લાવવા આજે અને કાલે સમગ્ર વિશ્વમાં ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ભાવનગર રોડ ઉપર 130થી વધુ મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી જોવા મળે છે.‘અબતક’ની ટીમ દ્વારા આજે રેડ લાઇટ એરિયાની રૂબરૂ મુલાકાત લઇને તેની મુશ્કેલી બાબતે વિવિધ છણાવટ કરાય હતી. જેમાં આ પરત્વે કાર્ય કરતી નવજીવન ટ્રસ્ટનાં ટાર્ગેટ ઇન્ટરવેશન પ્રોજેક્ટ અન્વયે વિવિધ મદદ મળી રહી છે. સંસ્થા દ્વારા કોન્ડોમ વિતરણ, મેડીકલ તપાસ, ટેસ્ટીંગ, કાનૂની સહાય અને કેર એન્ડ સપોર્ટ જેવા વિવિધ કાર્યો થાય છે. તેમ પ્રોજેક્ટ મેનેજર રવિ પટેલે ‘અબતક’ને જણાવ્યું હતું.
રાજકોટના વર્ષોથી પ્રખ્યાત ભાવનગર રોડ ઉપર 130 મહિલાઓ વ્યવસાય કરે છે: છેલ્લા પાંચ વર્ષમાં 50થી વધુ મહિલાઓ બ્યૂટી પાર્લર જેવા વ્યવસાય અને મેરેજ થતાં સામાન્ય જીવન જીવવા લાગ્યા
કોર્મશિયલ સેક્સ વર્કરો સાથે કામ કરતી સંસ્થાના આઉટ રીચ વર્કર રસીલાબેન ચૌહાણે ‘અબતક’ને જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં શહેરના વિવિધ વિસ્તારોની 750થી વધુ મહિલાઓ જોડાયેલી છે. અમો શહેરનાં ચાર ઝોનમાં કાર્ય કરીએ છીએ. રાજકોટમાં બોથલ, હોમ બેઇઝ, સ્ટ્રીટ, હોટલ અને હાઇવે જેવી જગ્યાએ આ વ્યવસાયમાં આ મહિલાઓ જોડાય છે.સંસ્થાએ સરકારના મદદરૂપ પ્રયાસોથી કોરોના કાળમાં રાશન કિટ વિતરણ કરીને આમ મહિલાઓને મદદ કરી હતી. સુપ્રિમ કોર્ટના તાજેતરમાં અપાયેલા ચુકાદા બાદ સમગ્ર દેશનું ધ્યાન આવા મહિલાઓ પ્રત્યે કેન્દ્રીત થયું છે. આપણે તેને અન્ય મહિલાની જેમ જોવાનો દ્રષ્ટિકોણ હવે કેળવવો જ પડશે. છેલ્લા પાંચ વર્ષમાં સતત આવા એરીયામાં કાર્ય કર્યા બાદ 50થી વધુ મહિલાઓ પોતાનો નાનો વ્યવસાય, બ્યૂટી પાર્લર કે મેરેજ કર્યા બાદ સામાન્ય જીવન જીવવા લાગી છે.
મજબૂરીનો-લાચારીનો ફાયદો ઉઠાવીને તેના પ્રત્યે ક્રૂરતા, હિંસા કે શોષણ ન થાય અને તેના માનવ અધિકારીઓનું હનન ન થાય તે જોવાની જવાબદારી સમાજની છે: સમાજ આ જવાબદારી નિભાવે તો ગણિકાઓનું જીવનધોરણ આપોઆપ સુધરી જાય
શાપર-વેરાવળના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પણ 70થી વધુ મહિલાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. એચ.આઇ.વી./એઇડ્સ કંટ્રોલમાં તેની મહત્વની ભૂમિકા હોવાથી કંટ્રોલ સોસાયટીના વિવિધ આયોજનના સકારાત્મક પરિણામો આવ્યા છે.ભાવનગર રોડ ઉપર 90 ટકાથી વધુ મહિલાઓ કોલકાતા, આસામ, મુંબઇ જેવા વિવિધ રાજ્યોમાંથી અહીં આ વ્યવસાય માટે આવે છે, તેમની લીસ્ટમાં 60-40નો રેશિયો જોવા મળે છે. ઘણી મહિલાઓ અહીંથી કમાણી કરીને તેના દેશમાં દર માસે પૈસા મોકલી તેના ઘર પણ ચલાવે છે.
કોર્મશિયલ સેક્સ વર્કરના સંતાનોને શિક્ષણ બાબતે સંસ્થાઓએ આગળ આવીને મહત્વની કામગીરી કરીને તેનું જીવન ગુણવત્તાસભર બનાવવું જોઇએ
બીજા રાજ્યોની ફ્લાઇંગ બેઝ મહિલાઓ થોડા સમય માટે જ રાજકોટ વ્યવસાય માટે આવે છે તેથી તેને કાયમી નોંધણી કરાતી નથી. માઇગ્રેશન થવાની સમસ્યા પ્રોજેક્ટમાં નડી રહી છે. સંસ્થા દ્વારા તંત્રની મદદથી રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા જરૂરી આધારો કાઢી અપાતા આ મહિલાઓને ઘણી રાહત મળી છે. જાહેર કરતા ખાનગી ક્ષેત્રે આ વ્યવસાય વધ્યો છે પણ પ્રોજેક્ટમાં પીયર એજ્યુકેટર તેને શોધીને આઉટ રીચ વર્કર તેની નોંધણી કરે છે.
અમારા પ્રોજેક્ટમાં 750 મહિલાઓ નોંધાયેલી : પ્રોજેક્ટ મેનેજર રવિ પટેલ
કોર્મશિયલ સેક્સ વર્કરો સાથે અમારી સંસ્થા એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સીધા માર્ગદર્શન તળે ટાર્ગેટ ઇન્ટરવેન્સન પ્રોજેક્ટ છેલ્લા બાર વર્ષથી ચલાવી રહી છે. આ વ્યવસાયની મહિલાઓને પડતી મુશ્કેલીમાં સતત અમારી કામગીરી કરીને તેને જરૂરી સરકારી સહાય, કોન્ડોમ વિતરણ, કાનૂની સહાય વિગેરે અમો વિનામૂલ્યે આપીએ છીએ. અમારી સંસ્થા શહેરનાં 4 ઝોનમાં કાર્ય કરી રહી છે. જેમાં બાર પીયર એજ્યુકેટર અને આઉટ રીચ વર્કરો 750 મહિલાઓની કામગીરી સંભાળી રહ્યા છે.
વતનથી દૂર કમાવાના બહાના તળે પરિવારને કરે છે મદદ !!
મોટાભાગની કોલકાતા જેવા વિવિધ રાજ્યોની મહિલાઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારો પરિવાર વતનમાં છે, અમારે પણ બાળકો છે. અમો પરિવારથી છૂપાવીને અહીં આ કાર્ય કરીને દર માસે રકમ પહોંચાડીને પરિવારનું જતન કરીએ છીએ. ખાસ અમો પરિવારની વાત આવતા દર વર્ષે મળવા જઇએ છીએ. તહેવારો ઉપર પણ ગીફ્ટ મોકલીએ છીએ. બધી જ મહિલા પુરતા પ્રોટેક્શન સાથે પ્રવૃત્તિ કરે છે જો આમા ગ્રાહક આનાકાની કરે તો તેને તગેડી મુકે છે. એક સ્ત્રીની કથનીમાં પતિએ આપઘાત કરી લેતાં સંતાનો વતનમાં મુકી અહીં રાજકોટ આવીને વ્યવસાયમાં જોડાઇને પોતાનાં પરિવારનું ભરણ પોષણ કરે છે.