- સતત ત્રીજા મહિને જીએસટીની આવક 1.4 લાખ કરોડને પાર
- જીએસટી કલેક્શનમાં સતત વૃદ્ધિ, ગત વર્ષની સરખામણીએ કલેક્શન 44 ટકા વધ્યું
ફુગાવાનો દર વધવા છતાં વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે. સરકારે અર્થતંત્રના લાંબા ગાળાના ફાયદાને ધ્યાને રાખીને અનેકવિધ નિર્ણયો લીધા હોય, અર્થતંત્ર મજબૂત બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ સતત ત્રીજા મહિને જીએસટીની આવક 1.4 લાખ કરોડને પાર થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ કલેક્શન 44 ટકા જેટલું વધુ છે. આ કલેક્શન અર્થતંત્ર માટે મહત્વનું બની રહ્યું છે.
જીએસટી કલેક્શનમાં વૃદ્ધિની પ્રક્રિયા સતત ચાલુ છે. મે મહિનામાં જીએસટીની આવક 1.41 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીમાં 44 ટકાનો વધારો થયો છે. જોકે મેનો આંકડો એક મહિના પહેલાના રેકોર્ડ કલેક્શન કરતાં 16 ટકા ઓછો રહ્યો છે. એપ્રિલમાં જ જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. અગાઉ માર્ચ અને એપ્રિલમાં મહિને દર મહિને જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. જીએસટીની આવક માર્ચમાં રૂ. 1.42 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1.33 લાખ કરોડ હતી. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં જીએસટીની કુલ આવક 1,40,885 કરોડ રૂપિયા રહી છે. તેમાંથી સીજીએસટી રૂ. 25,036 કરોડ, એસજીએસટી રૂ. 32,001 કરોડ, આઈજીએસટી રૂ. 73,345 કરોડ (જેમાં માલની આયાત પર પ્રાપ્ત રૂ. 37469 કરોડનો સમાવેશ થાય છે) અને રૂ. 10,502 કરોડનો સેસ (જેમાં સામાનની આયાત પર એકત્રિત રૂ. 931 કરોડનો સમાવેશ થાય છે) છે. મે મહિનાની સાથે જ આ જીએસટી લાગુ થયા બાદ આ ચોથો મહિનો છે, જ્યારે જીએસટીનું કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે. આ 4 મહિનાઓમાંથી 3 મહિના આ વર્ષના છે. માર્ચ, એપ્રિલ અને મેમાં સતત ત્રણ મહિના સુધી કલેક્શન રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે એપ્રિલની તુલનામાં મે મહિનાના કલેકશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલનું કલેક્શન માર્ચ મહિનાના રિટર્ન પર આધારિત છે, જે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે. બીજી તરફ મે મહિનાનું કલેક્શન એપ્રિલના રિટર્ન પર આધારિત છે, જે નાણાકીય વર્ષનો પહેલો મહિનો છે અને નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં નાણાકીય વર્ષના પ્રથમ મહિના કરતાં વળતર વધુ જોવામાં આવે છે, જે તેમના આગામી મહિનાના કલેક્શનને અસર કરે છે. ખાસ વાત એ છે કે કલેક્શનમાં ઘટાડા પછી પણ આંકડો 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર જ રહ્યો છે.