મુંબઈની પેઢીએ પોતાને ફરી સમાવ્યા વિના ટુર્નામેન્ટનું આયોજન ન કરવા ડિસ્ટ્રિક્ટ અદાલતમાં અરજી કરી હતી: ફ્રેન્ચાઈઝીના પૈસા ભર્યા વિના ખોટો કરાર બતાવી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તેવી અરજી રદ કરવા એડવોકેટ તુષાર ગોકાણીની દલીલ માન્ય રહી: ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષની લાગણી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં અગાઉ સોરઠ લાયન્સ ટીમની ફ્રેન્ચાઈઝી ધરાવતી મુંબઈની મેસર્સ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પેઢીના ભાગીદાર નરેશ જૈન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની મેચો સામે મનાઈ હુકમ મેળવવા કરાયેલ અરજી રાજકોટની સેશન્સ અદાલતે (કોમર્શીયલ કોર્ટે) ફગાવી દેતા ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષનો માહોલ છવાયો છે.
આ વિવાદની સમગ્ર વિગત મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આઇપીએલની જેમ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે એસપીએલની શરૂઆત વર્ષ 2019 માં કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સિઝનમાં સોરઠ લાયન્સ, સહિત પાંચ ટીમોએ ભાગ લીધો હતો. સોરઠ લાયન્સ ટીમની ફ્રેન્ચાઈઝી મુંબઈ હેડ ઓફીસ ધરાવતી મેસર્સ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના ભાગીદાર નરેશ જૈન દ્વારા કરાર કરી મેળવવામાં આવી હતી. કોવીડને કારણે વર્ષ 2020 માં ટુર્નામેન્ટનું આયોજન થઈ શકેલ નહી અને વર્ષ 2021 માં ટુર્નામેન્ટનું આયોજન થયેલ ત્યારે સોરઠ લાયન્સ ટીમની ફ્રેન્ચાઈઝી ધરાવતા નરેશ જૈન દ્વારા કરાર મુજબની 2કમ જમા ન કરાવી શકતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટની ફ્રેન્ચાઈઝી ટર્મીનેટ એટલે કે રદબાતલ કરી હતી.
જેને લઈ રાજકોટની સેશન્સ અદાલતમાં આર્કીટેશન એન્ડ ક્ધસીલીએશન એકટ હેઠળ અરજી કરી ખોટી રીતે ટર્મીનેટ કરવામાં આવેલ હોવાની અને ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ એસો. દ્વારા એકતરફી રીતે ઘડવામાં આવેલું હોય તેમાં જરૂરી સુધારાઓ થયા બાદ અરજદાર જરૂરી ફી ભરી સોરઠ લાયન્સ ટીમ ચલાવવા માંગે છે પરંતુ એસો. તે બાબતની પરવાનગી આપતુ ન હોય અરજદારને સમાવ્યા વિના વર્ષ -2022 ની એસપીએલના ક્રિકેટ મેચોનું આયોજન ન કરવુ અને તેમના ટર્મીનેશન લેટરની અમલવારી સ્થગિત કરવા સહિતની વિવિધ દાદ માંગતી અરજી પેઢી દ્વારા કરાઈ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ તેમના એડવોકેટ તુષાર ગોકાણી અને રીપન ગોકાણી મારફતે હાજર થઈ અરજીનો સખત વિરોધ કરતા જણાવેલ હતુ કે, અરજદારે અદાલત સાથે બનાવટ કરી અરજી દાખલ કરી છે ખરી હકીકતે અરજદાર પેઢી વતી અરજી દાખલ કરનાર નરેશ જૈન દ્વારા તા.26/04/2019 ના રોજ ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટમાં સહી કરવામાં આવેલી તેમ છતા નરેશ જૈન અદાલત સમક્ષ ઈ – મેઈલ ઉપર મળેલ એક સહી વગરનો કરાર રજૂ કરી અદાલતને ગેરમાર્ગે દોરી ટુર્નામેન્ટ સ્થગિત કરવા દાદ માંગેલ છે. જયારે એક લેખીત એગ્રીમેન્ટ થઈ ગયેલ હોય અને પક્ષકારો દ્વારા તેમાં દરેક પાને સહીઓ કરવામાં આવેલ હોય ત્યારબાદ એગ્રીમેન્ટના કોઈ જ પ્રાવાધાનોમાં ફેરફાર વિશે ચર્ચા કરવાની હોતી નથી. તેમ છતા અરજદાર ખોટી રીતે એવુ દર્શાવવા પ્રયત્ન કરે છે કે સહીવાળો કોઈ એગ્રીમેન્ટ નથી અને માત્ર ડ્રાફટ એગ્રીમેન્ટ છે, જેથી અરજદારે સોગંદ ઉપર ખોટી હકીકતો જણાવેલી હોય તેની સામે ફોજદારી રાહે પણ ફરીયાદ થવી જોઈએ તેમજ અરજદારના સમર્થનમાં નિખિલ રાઠોડ નામના વ્યકિતએ કરેલ સોગંદનામું પણ ખોટુ હોય તેની સામે પણ ફોજદારી રાહે પગલા લેવાવા જોઈએ તેવી રજુઆતો કરી અરજદારે પોતાના અંગત સ્વાર્થ માટે ટુર્નામેન્ટ શરૂ થવામાં હોય ત્યારે જ જાણી જોઈને અરજી કરેલ હોય સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ અરજી રદ કરવા લંબાણ પુર્વકની દલીલો કરી હતી. બન્ને પક્ષકારોની રજુઆતોના અંતે તમામ હકીકતો તેમજ રજુ થયેલ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ સેશન્સ અદાલત (કોમર્શીયલ કોર્ટ) દ્વારા અરજદારની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ , ઈશાન ભટ્ટ , વિરમ ધ્રાંગીયા વિગેરે રોકાયેલા હતા.
અરજદારે કોર્ટ સામે હકીકત છુપાવી, તે બે ઘોડા ઉપર સવાર થઈ ચાલવા માંગે છે, દોગલાપણુ દેખાડે: કોર્ટે ઝાટકણી કાઢી
અદાલત દ્વારા પોતાના વિસ્તૃત ચકાદામાં એવુ ઠરાવવામાં આવેલ કે, અરજદાર નરેશ જૈન પોતે તા.26/04/2019 ના રોજ ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ કરેલ નથી તેવુ જણાવતા નથી. ઉલ્ટાનું સહી વાળો એગ્રીમેન્ટ હોવા છતા ઈ – મેઈલના એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ઉપર આધાર રાખી અરજી દાખલ કરી છે, એટલે કે અરજદાર પોતે બે ઘોડા ઉપર સવાર થઈ ચાલવા માંગતા હોય તેવુ જણાય છે, તેમજ અરજદારે અદાલત સમક્ષ હકીકતો સંતાડેલ હોવાનુ જણાય આવતુ હોય ત્યારે અરજદાર ચોખ્ખા હાથે ન્યાયપાલીકા સમક્ષ આવેલ નથી તેવું માનવાને ચોકકસ કારણ રહે છે. તે ઉપરાંત અદાલતે એવું પણ નોંધ્યુ હતુ કે , અરજદારને જો ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટમાં વાંધો હતો તો તેઓ ફરી વખત ફ્રેન્ચાઈઝી શા કારણે માંગી રહયાં છે અને આ હકીકત અરજદારનું દોગલાપણુ દેખાડે છે.