રાજયનાં નવા 4પ કેસ પૈકી 34 કેસ એકલા અમદાવાદમાં: આઇપીએલ ફાઇનલમાં એકત્રીત થયેલી મેદની કોવિડ વિસ્ફોટ કરે તેવો ભય
કોરોનાએ ફરી ટેન્શન વધાર્યુ છે. આઇપીએલની ફાઇનલ મેચમાં એકત્રીત થયેલી લાખોની મેદની અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ કરે તેવી દહેશત પણ વર્તાય રહી છે. મંગળવારે રાજયમાં 80 દિવસ બાદ કોરોનાના 4પ કેસ નોંધાયા હતા જે પૈકી 34 કેસ તો એકલા અમદાવાદમાં નોંધાયા છે. રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં જાણે ચોથી લહેર શરુ થઇ ગઇ હોય તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે.
ગુજરાતમાં 1રમી માર્ચ બાદ 80 દિવસના લાંબા અંતરાળ બાદ ગઇકાલે મંગળવારે કોરોનાના નવા 4પ કેસો નોંધાયા હતા જેની સામે 36 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. જેમાં અમદાવાદમાં નવા 35 કેસ, ગાંધીનગરમાં બે કેસ, મહેસણામાં બે કેસ, સુરતમાં બે કેસ અને વલસાડમાં બે કેસ નોંધાયા છે. જયારે ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં નવા એક એક કેસ નોંધાયા છે. હાલ રાજયમાં કોરોનાના રરપ એકિટવ કેસ છે જે પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી તમામ દર્દીઓની હાલત સ્થીર છે. રાજયમાં કોરોનાની 10944 દર્દીઓના મોત નિપજયા છે. ગઇકાલે 36 દર્દીઓઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા.
અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 4પ માંથી 34 પૈકી એકલા અમદાવાદમાં નોંધાયા છે. દરમિયાન ગત રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં સવા લાખથી વધુની મેદની એકત્રીત થઇ હતી જે સુપર સ્પેડર બને તેવી ભીતી પણ ભીતી ઉભી થવા પામી છે. આગામી દિવસોમાં હજી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.