આજે ખેડબ્રહ્માના ઉંડવા અને કાલે ભિલોડામાં કોંગ્રેસનું નવ સંકલ્પ સંમેલન
કોંગ્રેસના પ્રતીક પરથી જીતી ધારાસભ્ય બન્યા બાદ સત્તાની લાલચમાં પક્ષ પલ્ટો કરી પક્ષ તથા પ્રજા સાથે વિશ્ર્વાસઘાત કરનારા નેતાઓને પ્રજા સમક્ષ ખૂલ્લા પાડવા માટે કોંગ્રેસ દ્વારા આજથી બે દિવસ નવ સંકલ્પ સંમેલન યોજાશે. આજે બપોરે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉંડવામાં અને આવતીકાલે ભિલોડાના જય ભોલેનાથ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ જન સંમેલન સંબોધન યોજાશે.
કોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાત-દિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે આજે ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને કાલે ગુરૂવારના રોજ ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
નવ સંકલ્પ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ સમિતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, ગુજરાતના સંગઠન સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિત જિલ્લા, તાલુકાના હોદેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, ધારાસભ્યો, પ્રદેશ કોગ્રેસ સમિતના હોદેદારો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર રહેશે.
વર્ષ-2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતીક પરથી ચૂંટાઇ ધારાસભ્ય બનેલા 17 ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરી ભાજપમાં જોડાઇ ગયા છે. સત્તાની લાલચમાં પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરનારાઓને ચૂંટણી પહેલા જનતા વચ્ચે ખૂલ્લા પાડવા કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત આજથી બે દિવસ જન સંકલ્પ સંમેલન યોજાશે.