નર્મદા યોજના કચ્છ ની જીવાદોરી સમાન છે એવી આ કેનાલ મા સમારકામ કરવા નું છે એ મુદ્દો આગળ ધરીને માર્ચ મહિનાથી જ કચ્છ શાખા નહેર બંધ કરવામાં આવી હતી. જેના કારણે કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી નીયભારે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને કચ્છની જીવાદોરી સમાન એવા ટપ્પર ડેમમાં પણ થોડું પાણી છે. અનેક વખત રજૂઆતો બાદ આખરે આજે સવારે કચ્છ શાખા નહેરના ઉદ્ગમ સ્થાન સલીમગઢથી પાણી છોડવાની શરૂઆત થઈ ગઈ છે અને આજે વધુ પાણીના જથ્થાની ડિમાંડ પણ કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ પાણીની તંગી નિવારવા કેનાલમાં પાણી છોડવાની સતત માંગ થઈ રહી હતી. આખરે ત્રીસ તારીખ ના સવારે 8 વાગ્યાથી સલીમગઢ ખાતેથી 500 કયુસેક પાણી વહેતું કરાયું હતું.
નિગમના ઉચ્ચ અધિકારીઓ આ 500 કયુસેક પાણી માત્ર ટપ્પર ડેમ માટે જ છોડવામાં આવ્યું હોવાનું કહી રહ્યા છે, તો અમુક સ્થાનિક વિસ્તાર માટે છોડવામાં આવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, ટપ્પર અને રાપર શહેર અને તાલુકાના ડેમ ભરવા માટે નર્મદા નિગમ દ્વારા 1200 કયુસેક પાણી છોડવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે અને સંભવત: આવતીકાલે સવારે 1200 કયુસેક પાણી છોડવામાં આવશે અને ચાર કે પાંચ દિવસમાં હાલ ખાલી રહેતી વાગડ વિસ્તારમાં થી પસાર થતી કચ્છ કેનાલ મા નર્મદાના નીર ખડખડ વહેતાં થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના 600થી વધુ ગામડા અને ગાંધીધામ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ટપ્પર ડેમમાં જૂનના પ્રથમ અઠવાડિયા સુધી ચાલે તેટલું જ પાણી છે અને રાપર શહેરમાં કેનાલ બંધ હોય ત્યારે અનામત રાખવામાં આવેલું નગાસર તળાવ પણ વીસ દિવસથી તળિયાઝાટક છે. જેના કારણે શહરેમાં હાલ એકાંતરાને બદલે દર ચોથે દિવસે પાણી આપવામાં આવે છે. જો કે હાલની વિતરણ વ્યવસ્થા પણ પાણીના અભાવે ખોરવાઈ ગઈ છે. તો તાલુકાના 97 ગામડાઓમાં અને 227 વાંઢ વિસ્તારમાં પણ પાણીની ભારે વિકટ સમસ્યા ઊભી થઈ છે. વધુ 1200 કયુસેક પાણી છોડવામાં આવ્યા બાદ ચાર-પાંચ દિવસમાં રાપર અને ત્યાર બાદ આગળ ટપ્પર સુધી પાણી પહોંચશે. જો કે આ રાહત હંગામી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. દરમ્યાન હાલ ફતેહગઢથી જેસડા સુધી કેનાલનું સમારકામ ચાલુ થઈ ગયું છે. જો કે પાણી ચાલુ થયા બાદ બંધ કરી દેવાશે આમ નર્મદા યોજના નું પાણી કેનાલમાં આવતા લોકો અને પશુઓ ને પીવા ના પાણી નો પ્રશ્ન હલ થશે .