- ન્યારા ગામના સર્વે નંબર 200ની 100 એકર જમીન માટે કલેકટર સમક્ષ રજૂઆત
- ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી નવી સેન્ટ્રલ જેલની તાતી જરૂરિયાત
રાજકોટ જિલ્લા જેલને છેલ્લા દસ વર્ષથી મધ્યસ્થ જેલનો દરજો મળ્યા બાદ હાલ પોપટપરા ખાતે આવેલી જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી તેને શહેર બહાર ખસેડવા અને વધુ મોટી બનાવવા માટે જેલતંત્ર દ્વારા કલેકટરને જમીન ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં હાલ તંત્ર દ્વારા મધ્યસ્થ જેલને ન્યારા ગામના સર્વે નંબર 200માં 100 એકર જમીન ફાળવણીની કામગીરી ઝડપી બની છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં સાલ 2011માં મધ્યસ્થ જેલનો દરજો મળ્યો હતો. ત્યાર બાદ જેલમાં કેદીઓનો ધસારો વધી જતાં હાલ જેલની ક્ષમતા વધારવા માટે રાજ્યના જેલવડા કે. એલ. એન. રાવના હુકમ બાદ જેલતંત્ર દ્વારા જમીન ફાળવણી મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જેલતંત્ર દ્વારા માંગણી કર્યા બાદ ન્યારા ગામના સર્વે નંબર 200માં 100 એકર જમીન ફાળવણી માટેની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ રાજકોટની મધ્યસ્થ જેલને નવું રંગ રૂપ મળશે.
2011માં રાજકોટને જિલ્લા જેલમાંથી મધ્યસ્થ જેલમાં ગણાવ્યા બાદ તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગંભીર ગુનાઓમાં ઝડપાયેલા અને આવારાતત્વોને પણ કેદીઓને આ જેલમાં રાખવામાં આવે છે. પરંતુ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાલ 1200ની કેપેસિટી સામે કુલ 1800 જેટલાં કેદીઓને રાખવામાં આવ્યા છે
રાજકોટને એઈમ્સ અને નવી કોર્ટની ભેટ મળ્યા બાદ હવે જેલ માટે જામનગર રોડ પરના હાઇવે પર જમીનની ફાળવણીની અડકતોએ જોર પકડ્યું છે. નવી મધ્યસ્થ જેલમાં નવા રંગરૂપ અને ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
પડધરી તાલુકાના ન્યારા ગામે રોડની અંદરના ભાગે જેલ પ્રશાસનને સરકારી જમીન આપવા માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે. તે દરમ્યાન રાજકોટ જિલ્લા જેલને મઘ્યસ્થ જેલનો દરજ્જો મળ્યો છે. હાલ જેલ પોપટપરા વિસ્તારમાં ચાલુ છે ત્યારે આ જગ્યા ખૂબ જ ટુંકી પડે છે. તે ધ્યાનમાં લઇને જેલ પ્રશાસન દ્વારા જામનગર રોડ પર પડધરી તાલુકાના ન્યારા ગામના રેવન્યુ સર્વે નં.200 પૈકી વાળી સરકારી જમીનમાંથી 100 એકર સરકારી જમીન રાજકોટની મઘ્યસ્થ જેલને આપવા માટેની માંગણી કરવામાં આવી છે. આ માટે થઇને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જેલને જગ્યા ઝડપથી મળી જાય અને તેના પર બાંધકામ કરવામાં આવે તે માટે થઇને જેલ પ્રશાસન દ્વારા પણ અલગથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની મઘ્યસ્થ જેલ ઉભી કરવામાં આવે તે માટે હકારાત્મક અભિગમ અપનાવાઇ રહ્યો છે. જિલ્લા જેલ પ્રશાસને સરકારી જમીનની ફાળવણી ટુંક સમયમાં કરી દેવામાં આવશે. આ માટે થઇને ન્યારા વિસ્તાર રૂડામાં આવતો હોય પરંતુ સરકારી જમીન જિલ્લા કલેકટર હસ્તક હોવાના કારણે રૂડાનું એનઓસી પણ લેવામાં આવશે. રાજકોટ જિલ્લા જેલ પ્રશાસન દ્વારા ન્યારામાં જે મઘ્યસ્થ જેલ ઉભી કરવામાં આવનાર છે ત્યારે જેલના કેદીઓને મુદતે વારંવાર કોર્ટમાં લઇ જવા માટે હાલમાં માધાપર નજીક નવુ કોર્ટ બિલ્ડીંગ મોટા ભાગે તૈયાર થઇ ગયું છે. ત્યાં પણ કેદીઓને લઇ જવામાં સરળતા રહે તે મુદ્દો પણ ખાસ ધ્યાને લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. નવી મધ્યસ્થ જેલમાં 3000 કેદીઓની ક્ષમતા રાખવામાં આવશે. હાલ રાજકોટ મધ્યસ્થ જેલની ક્ષમતા 1200 ની હોય જેની સામે અત્યારે જેલમાં 1800 કેદીઓ હોવાથી અનેક સગવડોની ઉણપ જણાય રહી છે.