ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ભાજપ શાસીત કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા: આજી નદીની સફાઈ માટે મેયર અને મ્યુ. કમિશનર સાથે સાંજે બેઠક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.જેમાં શહેરના તમામ વોંકળાની સઘન સફાઈ કરવામાં આવતી હોય છે. આ પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર ધમધમતી હોવાનું અનેકવાર પુરવાર થઈ ચૂક્યું છે. દરમિયાન ખુદ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ભાજપ શાસીત કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
આજી નદીની સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરના નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ પણતેઓએ લગાવ્યો છે. દરમિયાન આજે સાંજે આજી નદીની સફાઈ અંગે તેઓએ મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સાથે એક બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સરકારના અલગ અલગ વિભાગોની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. તેઓએ રાજકોટના પોલીસ કમિશનર સામે કમિશન લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેનો પડઘો રાજ્યભરમાં પડ્યો હતો. હવે ગોવિંદભાઈ ભાજપ શાસીત મહાપાલિકાને પણ આડેહાથે લીધી છે. કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી સામે તેઓએ સવાલ ઉઠાવ્યા છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન વોંકળાઓની સફાઈ કરવામાં આવતી હોય છે. નદીની સફાઈ કરવામાં આવતી નથી. આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપી રહ્યો છે. ચોમાસાની સીઝન માથે છે ત્યારે આજી નદીમાંથી બાંધકામ વેસ્ટ, રબીશ સહિતના કચરાનો નિકાલ કરવામાં આવતો ન હોવાના કારણે ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને અહીં વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
આ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહાપાલિકા તંત્રનું ધ્યાન દોરવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,ચ ોમાસા પૂર્વે આજી નદીની સઘન સફાઈ માટે આજે બપોરે મેં મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સાથે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા આજી નદીની સફાઈ માટે જેસીબી અને બુલડોઝર સહિતના સાધનો ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવશે અને આગામી એક પખવાડીયામાં આજી નદીની સફાઈ થઈ જાય અને વેણ ચોખ્ખુ થઈ જાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
મેયર ડો.પ્રદિપ ડવે ધારાસભ્યનો ફોન ન ઉપાડ્યો !
કોર્પોરેશન દ્વારા હાલ પ્રિ-મોન્સુન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ચોમાસાની પૂર્વે આજી નદીની પણ સફાઈ થાય તે માટે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે અંગત રસ લીધો છે. મહાપાલિકા તંત્ર દ્વારા આ માટે સાધન સરંજામ ફાળવવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવા અનુકુળ સમય લેવા માટે સવારે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે શહેરના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાને ફોન ર્ક્યો હતો. જો કે, કોઈ અનિવાર્ય સંજોગોના કારણે મેયરે ધારાસભ્યનો ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જ્યારે મ્યુનિ.કમિશનરે ધારાસભ્યનો ફોન રિસીવ કરી બેઠક માટેનો સમય આપી દીધો હતો. જો કે, થોડીવાર બાદ મેયરે પણ સામેથી ધારાસભ્યને ફોન ર્ક્યો હતો અને બેઠક માટેની સહમતી દર્શાવી હતી.