બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા 62 બાઇક સવારોએ હેલ્મેટ પહેરી ભાગ લીધો: પ1 કી.મી.ની યાત્રા કરી સડક સુરક્ષાનો સંદેશ ફેલાવ્યો
સેવા, સમર્પણ અને સુરક્ષાને સાચા અર્થમાં વરેલી સંસ્થા એટલે બ્રહ્માકુમારીઝ. બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. તેનાં ભાગરૂપે સંસ્થાની ટ્રાન્સપોર્ટ વિંગ દ્વારા ગઇકાલે ‘ચેતતા નર સદા સુખી’નો સંદેશ આપતા સાતમાં સડક સુરક્ષા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સડક સુરક્ષા અંતર્ગત જાગૃતતાનુ મહત્વ સમજાવતા આ મોટર સાઇકલ- બાઇક અભિયાનમાં 62 બાઇક સવારોએ હેલ્મેટ સાથે ભાગ લીધો હતો. અભિયાનની શરૂઆત સવારે 9 વાગ્યે દોઢસો ફૂટ રીંગ રોડ ન્યારા પેટ્રોલ પમ્પ ખાતેથી બ્ર. કુ. (ગુજરાત ઝોન ડાયરેક્ટર) ભારતીહ દીદીનાં હસ્તે કરવામાં આવી હતી. શુભારંભ બાદ ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝનાં ‘જગદંબા ભવન’ સેવા કેન્દ્રનાં વિસ્તારમાં સડક સુરક્ષાનો સંદેશ ફેલાવતા અભિયાન યાત્રીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. ત્યારબાદ મારુતિ સુઝુકી સર્વિસ સ્ટેશનમાં ત્યાનાં 60 જેટલા કર્મચારીઓને સડક સુરક્ષાનો સંદેશો આપ્યો હતો. આ સાથે ત્રિવેણી સોસાયટી , સંત કબીર રોડ, પાણીનો ઘોડો, રણછોડનગર , પેડક રોડ, કુવાડવા રોડ વગેરે વિસ્તાર સહીત બાઇક સવારોએ 51 કિ.મી. ની યાત્રા કરી સડક સુરક્ષાનો સંદેશ ફેલાવ્યો હતો.
આ સુંદર કાર્યક્રમમાં સેવાધારીઓને પ્રોત્સાહીત કરવા શહેરનાં ડી ડીવીઝન પોલીસ સ્ટાફનાં જવાનો સહીત કિશોરભાઇ રાઠોડ- પુરુષાર્થ યુવક મંડળનાં પ્રમુખ, એડવોકેટ – રાકેશભાઇ કોઠીયા, વાલજીભાઇ- નંદા રોડવેઝ, મંગેશભાઇ દેસાઇ- ઓમ રોડલાઇન્સ, ઇશ્વરભાઇ- ભવાની રોડવેઝ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા. તેમજ બ્ર.કુ. રેખાબેન, બ્ર.કુ. આરતીબેન, બ્ર.કુ. સંધ્યાબેન તથા બ્ર.કુ. એકતાબેને પણ બાઇક સવારોને ઇશ્વરીય સંદેશ તેમજ દ્રષ્ટિ આપીને મુક સેવા કરી હતી.
પુરુષાર્થ યુવક મંડળનાં પ્રમુખ કિશોરભાઇએ બાઇક સવારોને ભગવાનનાં સાચા દુત ગણાવીને બિરદાવ્યા હતા.
પ્રત્યેક બાઇક સવારોએ આપ્યો આ પ્રતિજ્ઞા સંદેશ
1) હું સીટ બેલ્ટ બાંધીને / મારા અમુલ્ય જીવનની રક્ષા કરીશ
2) જીવનને સન્માન આપતા / રોડનાં નિયમોનુ પાલન કરીશ
3) વાહન ચલાવતા સમયે / મોબાઇલ તથા વ્યસનથી દુર રહીશ
4) સફરની દરેક સમસ્યાનુ સમાધાન / હું શાંતિથી કરીશ
5) મનને શાંત, સ્થિર રાખી / એકાગ્રતા અને શાલીનતાથી / જીવન યાત્રાનો આનંદ લઇશ.