- વિસાવદર: પત્નીની હત્યા કરી પતિએ લાશ દાઢી દીધી
- જામનગરમાં બાળકોની તકરારમાં યુવકની લોથ ઢાળી દીધી
- તળાજામાં પિતાની નજર સામે જુવાનજોધ પુત્રનું ખૂન
- બાબરાના નિવૃત્ત કંડકટરની રહસ્યમ સંજોગોમાં હત્યા
સૌરાષ્ટ્રમાં ઉષ્ણતામાનનો પારો ઉચકાતો માનસના મગજનું તાપમાનની જેમ ગરમીની જેમ પારો ઉચકાયો હોય તેમ વિસાવદરમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી લાશને દાઢી દીધી છે, જામનગરમાં બાળકોની તકરારનાકારણે થયેલી જુથ અથડામણમાં યુવાનની લોથ ઢળી છે. જમીનના વિવાદના કારણે તળાજાની શેત્રુંજી નદીના પુલ પર પતિની નજર સામે બે શખ્સોએ ફાયરિંગ કરી પુત્રનું ખૂન થયાની અને બાબરાના ચરખાના નિવૃત કંડકટરની અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વિસાવદરના પ્રેમપરા ગામની પરિણીતા લક્ષ્મી જીવાભાઇની હત્યા તેના પતિ જીવા જગુ માથાસુરીયાએ હત્યા કરી લાશને દાટી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. નિરવ શાહે મામલતદારની હાજરીમાં મૃતદેહ બહાર કઢાવી હત્યા કંઇ રીતે થઇ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જીવા જગુની પ્રથમ પત્નીનું શંકાસ્પદ મોત થયા બાદ જીવા જગુએ લક્ષ્મીબેન સાથે પૂન: લગ્ન કર્યા હતા. દરમિયાન બંને વચ્ચે ગમે તે માથાકૂટ થતા જીવા જગુએ પોતાની બીજી પત્ની લક્ષ્મીની હત્યા કરી દોઢેક માસ પહેલાં લાશને દાટી દીધી હતી. જીવા જગુ પ્રેમપરાથી ગુમ થઇ જતા તેના સસરાને શંકા જતા પોતાની પત્નીની હત્યા કર્યા અંગેની પોલીસને ફરિયાદ આપતા પોલીસે લક્ષ્મીબેનનો મૃતદેહ કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જીવાએ પોતાની બીજી પત્ની લક્ષ્મીબેનની હત્યા શા માટે કરી તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
તળાજા તાલુકાના દેવલી ગામે રહેતા દેવા બચુ વાઘેલા તેનો પુત્ર મુકેશ ગઇકાલે જી.જે.4ડીએચ. 7667 નંબરના બાઇક પર સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર શેત્રુજી નંદી પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક પર પીછો કરી આવેલા દેવડી ગામના વતની અને હાલ બપાળા ગામની સીમમાં રહેતો મુન્નો ઉર્ફે નારણ ભોળા વાઘેલા અને એક અજાણ્યા શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર રીતે ઘવાયેલા મુકેશનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બે વર્ષ પહેલાં પ્લોટ બાબતે માથાકૂટ થઇ હોવાથી મુન્નાએ ફાયરિંગ કરી હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જામનગર ડિફેન્શ કોલોનીમાં બાળકો વચ્ચે થયેલા ઝઘડાના કારણે ભરત રણમલ રૂડાચ નામના ગઢવી યુવાનની હત્યા થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ભરત રૂડાચ અને રાયસુર ઉર્ફે બોઘો માલદે ગઢવીના સંતાનો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે બંને પક્ષે ધોકા અને પાઇપથી સામસામે હુમલો થતા નાસભાગ મચી ગઇ હતી. સશસ્ત્ર હુમલામાં બે યુવાન અને એક મહિલા ગંભીર રીતે ઘનવાયા હતા. જેમાં ભરત રૂડાચનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
બાબરા નજીક આવેલા ચરખા ગામના ભીખુભાઇ ગોવિંદભાઇ છૈયા નામના વૃધ્ધની લાશ ચરખા પાસેથી મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક ભીખુભાઇ છૈયા એસટીના નિવૃત કંડકટર હોવાનું અને ગઇકાલે ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અને લૂંટનો ગુનો નોધી તપાસ હાથધરી છે.