સતત બે મહિના સુધી આઠ મહાનગરોમાં ભાજપને ઘેરશે કોંગ્રેસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષ કોંગ્રેસ રાજયની ભાજપ સરકારને જનતા સમક્ષ ઉઘાડી પાડવા જન આંદોલન છેડશે. ગુજરાતનાં આઠ મહાનગરોનાં 250 થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે નવ સંકલ્પ શહેરી વિસ્તાર શિબિર યોજાઈ
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભારે હાલાકી ભરી સ્થિતિનો સામનો કરી રહી છે. સત્તા પ્રાપ્ત કર્યા બાદ ભાજપે માત્ર ઠાલા વચનો આપ્યા. પરતું તેની નીતિ સદંતર પ્રજા વિરોધી રહી સમાજના વિવિધ વર્ગોને તાકાત આપવાનું કામ કરવાને બદલે આ સમુદાયને તોડવાનું કામ થયું. ભાજપ દ્વારા ભ્રષ્ટાચારનું સંકલિત કેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને વહીવટીતંત્ર ઉપર સત્તાધારી પક્ષ એટલી હદે હાવી થઇ ગયો છે કે સામાન્ય માણસ હાંસિયામાં ધકેલાઈ ગયો છે.
મોઘવારી, શિક્ષણ, આરોગ્ય સેવા કોરોનામાં અણઘડ વહીવટ, કાયદો વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અર્થવ્યવસ્થા, સામાજિક ન્યાય, શાસનવ્યવસ્થા સહિતની મુખ્ય સમસ્યાઓથી જનતાનું ધ્યાન ભટકાવાઈ રહ્યું છે. હકીકતમાં ભાજપ સરકારમાં પોલીસી પેરાલીસીસ તમામ ક્ષેત્ર-વિભાગમાં જોવા મળી રહ્યો છે. પ્રજાની હાલત સુધરવાને બદલે બગડી છે અને હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.
ગુજરાતનાં તમામ શહેરી વિસ્તારમાંથી આવેલા 250થી વધુ ડેલીગેટોએ શહેરી વિસ્તારોની જુદી જુદી સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી કોંગ્રેસ પક્ષનાં આગામી બે મહિના માટેનાં કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યું. ભાજપ સરકાર પ્રજાની અપેક્ષામાં ખરી ઉતરી નથી. ચૂંટણીમાં આપેલા વચનો સંપૂર્ણ ખોટા પૂરવાર થયા છે. મોંઘવારી, અસહ્ય વીજબિલ, મિલકત વેરો – વ્યવસાય – પાણી વેરાનાં ઊંચા દરો, શિક્ષણના વ્યાપારીકરણ, અસુરક્ષિત મહિલાઓ, આર્થિક પછાતવર્ગ, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સહિતના વર્ગોનાં છીનવાતા હક્ક અને અધિકારો, અધધ ભ્રષ્ટાચાર સહિત ભાજપાની જનવિરોધી નીતિઓને ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવશે. આઠ મહાનગરપાલિકામાં નાગરિક સુવિધા આપવામાં ભાજપા શાસકોની નિષ્ફળતા અંગે જનઆંદોલનના કાર્યક્રમો કરવામાં આવશે. હાલમાં વિવિધ શહેરોમાં મોંઘવારીના બેફામ માર સામે મોંઘવારી રથ દ્વારા જન આંદોલન વિવિધ વોર્ડમાં ચાલી રહ્યાં છે.
એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપકભાઈ બાબરીયા, કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, દંડક ડો. સી.જે. ચાવડા, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, સહિતના આગેવાનોએ શહેરી વિસ્તારોના પ્રશ્નો અને પક્ષની રણનિતિ અંગે ઉપયોગી સૂચનો કર્યા હતા. એ.આઈ.સી.સી. સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ રોહન ગુપ્તા એ સોશ્યલ મીડીયા બુથ મેનેજમેન્ટ અંગે તાલીમાર્થીઓને પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.