જસદણના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવેલી શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકપ્રિય નેતાને વધાવવા માટે સૌરાષ્ટ્રભરમાંથી જન મેદની ઉમટી પડી હતી. સમીયાણો ટૂંકો પડયો હતો. ત્રણ લાખથીવધુ લોકો ઉમટી પડયા હતા.
સંઘના પ્રચારક તરીકે નરેન્દ્રભાઇ અનેક વખત જસદણ આવી ચૂક્યા છે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર જીવનમાં આવ્યા પહેલા સંઘના પ્રચારક તરીકે અગાઉ અનેક વખત જસદણ આવી ચૂક્યા છે. જનસંઘનાં સમયથીના જસદણ પંથકના ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ કે. મહેતાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ જનસંઘના સમયથી જ જનસંઘના પ્રચાર અર્થે જસદણ આવતા હતા અને તેમના ઘરે ઉતરતા હતા તેમના ઘરે રાત્રી રોકાણ કરતા હતા અને દિવસ દરમિયાન કાપડનો થેલો લઈને સાયકલ લઇને જસદણ આસપાસના ગામડાઓમાં જનસંઘના પ્રચાર અર્થે જતા હતા અને લોકોની વેદના સાંભળતા હતા.
આમ જસદણ સાથે નરેન્દ્રભાઈ મોદીને જૂનો નાતો છે. આજની તારીખે પણ તેઓ જસદણ ભાજપના અગ્રણી અશોકભાઈ મહેતાને વ્યક્તિગત ઓળખે છે અને તેમને નામથી બોલાવે છે. વધુમાં અશોકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કમળાપુર ગામના પટેલ પરિવારનો દિલ્હી હરિયાણા નજીક અકસ્માત થયો હતો ત્યારે હરિયાણાના ભાજપના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કમળાપુરનાં પટેલ પરિવારના મૃતદેહને જસદણ પહોંચાડવાની તેમજ ઇજાગ્રસ્તોને ત્યાં સારવાર કરવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી.