ભાજપના બન્ને મુખ્ય નેતાઓની એક સાથે ગુજરાતની મૂલાકાતથી અનેક તર્ક-વિતર્ક: રાજ્યમાં ચૂંટણી માહોલ બનવા માંડ્યો

ગુજરાતના રાજકારણમાં આજે જબરી ચહલ-પહલ જોવા મળી રહી છે. વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભાજપમાં તમામ નિર્ણયો લેવામાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેની ઇચ્છા વિના ભાજપમાં સામાન્ય નિર્ણય પણ લઇ શકાતો નથી તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે એક સાથે હોમ સ્ટેટ ગુજરાતની મૂલાકાત પર છે. સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગ સિવાય આ બન્ને નેતા એક સાથે ગુજરાતમાં આવતા નથી. સવારના સમયે આ બંને નેતાઓને અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દરમિયાન સાંજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજનારા “સહકાર સે સમૃધ્ધી” સંમેલનમાં એક મંચ પર ભેગા થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ, ઉપરાંત કોંગ્રેસ અને આપના મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલથી ગુજરાતની ત્રણ દિવસની મૂલાકાતે આવ્યા છે.

દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. તેઓના હસ્તે સવારમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલૂકાના આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન સાંજે તેઓ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે “સહકાર સે સમૃધ્ધી” સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

બહુ ઓછુ એવુ બને છે કે જ્યારે ભાજપના બે મુખ્ય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મૂલાકાતે એક સાથે આવતા હોય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બંધાય ગયો છે. ભાજપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2014 બાદ ભાજપ માટે મોદી-શાહની જોડીએ અનેક ઇતિહાસ રચ્યા છે. ભાજપની વર્તમાન સફળતા મોદી-શાહની જોડીને આભારી છે. બંનેની એક સાથે ગુજરાતની મૂલાકાત ભારે સુચક માનવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વ ભાજપમાં જબરી ચહલ-પહલ સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.