બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ ડીરેક્ટરોની કમિટી બનાવી નથી: મનીષ દોશી
સહકારી બેંકો, દૂધ સંઘો અને અન્ય સહકારી સંસ્થામાં મોટા પાયે સગા-વ્હાલા-મળતિયાને બારોબાર ભરતી – ગીરરીતી, લેવડ દેવડ કૌભાંડો સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં 111 જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વિસ્તૃત ફરિયાદ સહકાર મંત્રી, અને સહકાર સચિવ સહિતને લેખીતમાં રજુઆત કરી તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશી અને મહેસાણા નગરપાલિકાના કાઉન્સિલર અમિત પટેલે કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકે 111 કર્મચારીઓની ભરતી કરી તેમાં જાહેરાતમાં બેંકનું નામ ન છાપી પહેલાથી ભ્રષ્ટાચાર કરવાના બદઈરાદાથી તથા સગાવાદના ઈરાદાથી જાહેરાત આપેલ તે ખુલ્લું પડી ગયું છે. મહેસાણા અને પાટણ જિલ્લાના રોજગાર કચેરીમાંથી બેરોજગારોના નામોની યાદી મંગાવેલ નથી તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી બેરોજગારની યાદી મંગાવેલ નથી. ભરતી પ્રક્રિયામાં પ્રાઈવેટ એજન્સી કો.ઓપ. બેંકના ડીરેક્ટરની જ હતી. બેંકના ડીરેક્ટરના સગા-સંબંધીઓએ પરીક્ષા આપી તથા ઈન્ટરવ્યુમાં કો.ઓપ. ડીરેક્ટરની પોતાની કંપનીમાં અમદાવાદ ખાતે ઈન્ટરવ્યુ લીધેલ છે.
પરીક્ષાનું પરિણામ કોમ્પ્યુટરમાં લીધેલ હોવા છતાં 30 દિવસનો સમયગાળો વિતાવ્યા પછી પરિણામે પોતાના મળતીયાઓને ઈ-મેઈલથી જાણ કરી મૌખિક ઈન્ટરવ્યુમાં બોલાવેલ છે. કંપનીની વેબસાઈટ અને બેંકની વેબસાઈટ પર આજદિન સુધી પરિણામ જાહેર કરેલ નથી. તમામ ડીરેક્ટરોના નજીકના સગા-સંબંધી જેવા કે, ભત્રીજા, ભત્રીજી, કાકા-કાકીના દિકરા, ભાણી, ભાણીયા તથા સાળા તથા સાળીની દીકરીઓ તથા પુત્રવધુ અને પુત્રીની નજીકથી ભરતી કરેલ છે. જાહેરાતમાં જે ઉંમર દર્શાવેલી હતી તે ઉંમરની ઉપરના ઉમેદવારોને નિમણુંક આપેલ છે.
તે જાહેરાતના નિયમોનો ભંગ કરેલ છે. સદર ભરતી કરેલી એજન્સી સરકાર માન્ય ન હોવા છતાં લાખો રૂપિયાનું બીલ ચૂકવવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જે લાયકાત ધરાવતા ન હોવા છતાં એવા ઉમેદવારોને નિમણુંક આપેલ છે. મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકમાં 104 વર્ષના ઈતિહાસમાં આજદિન સુધી ડાયરેક્ટ એકાઉન્ટન્ટની જાહેરાત આપી ભરતી કરેલ નથી તેમ છતાં એમના મળતીયાઓને ડાયરેક્ટ બ્રાન્ચ એકાઉન્ટન્ટ બનાવી ચાલુ કર્મચારીઓને પ્રમોશનનું નુકશાન પહોંચાડેલ છે. બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ (બંધારણ મુજબ) ડીરેક્ટરોની કમિટી બનાવેલ નથી. ડીરેક્ટરોના તથા બેંકના કર્મચારીઓના નજીકના સગાઓની ભરતી કરી કાયદાની કલમ નં. 76-બી તથા 86 નો ભંગ કરેલ છે તો તેમને સત્તા પર રહેવાનો અધિકાર રહેતો નથી. રાજ્ય રજીસ્ટ્રાર તથા જિલ્લા રજીસ્ટ્રારને તથા સહકાર મંત્રીને લેખિત જાણ કરેલી છે. મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેંકના 111 કર્મચારી ભરતી કૌભાંડ અંગે કેમ સમગ્ર તંત્ર મૌન છે ?