અમિન માર્ગના કોર્નર પર બનેલી ફૂડ કોર્ટ ભાડે આપવા બે વખત ટેન્ડર પ્રસિદ્વ કરાયા બાદ કોઇ એજન્સીએ રસ ન દાખવતા અંતે કોર્પોરેશન ઝુક્યું
શહેરીજનોને હાઇજેનીંક અને સારી ક્વોલીટીનું ફૂડ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના 150 રીંગ રોડ પર અમિન માર્ગ કોર્નર પર ફૂડ કોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફૂડ કોર્ટ ભાડે આપવા માટે બે વખત ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા. જેમાં એકપણ એજન્સીએ રસ ન દાખવતા અંતે કોર્પોરેશન તંત્ર ઝુક્યું છે. ટેન્ડરની શરતો હળવી કરી નાખવામાં આવી છે અને ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સાથોસાથ ટેન્ડરની મુદ્ત પણ વધારવામાં આવી છે.
અગાઉ આ ફૂડ કોર્ટ ભાડે આપવા માટે ટર્ન ઓવરનો ક્રાઇટ એરિયા છેલ્લાં સાત વર્ષનું રૂ.91.58 લાખ તેથી વધુની રકમનું એવરજે એન્યુઅલ ટર્ન ઓવર હોવી જોઇએ તેવી શરત રાખવામાં આવી હતી જેમાં સુધારો કરી રૂ.50 લાખનું વાર્ષિક ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. જ્યારે અનુભવનો ક્રાઇટ એરિયા છેલ્લા સાત વર્ષમાં રૂ.73.26 લાખનું ફૂડ બિઝનેસને લગત કામ અથવા છેલ્લા સાત વર્ષમાં 55.95 લાખનો ફૂડ બિઝનેસ લગતું કામ અથવા બે કામ પૂર્ણ કરવા હોવા જોઇએ. જેમાં સુધારો કરવામાં આવ્યો છે.
ભાવ ભરનાર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અગાઉ અપસેટ કિંમત રૂ.30 લાખ પ્રતિવર્ષ પ્લસ જીએસટી રાખવામાં આવ્યો હતો. જેમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે પ્રતિવર્ષની અપસેટ કિંમત રૂ.20 લાખ પ્લસ જીએસટી કરવામાં આવ્યો છે. ભાડાના દરમાં હવે દર વર્ષે સરેરાશ 10 ટકાનો ભાવ વધારો કરવાની શરત રાખવામાં આવી હતી. જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. ભાડાની રકમ બીજા વર્ષે પાંચ ટકા અને ત્રીજા વર્ષથી પ્રતિ વર્ષ 10 ટકાનો ઉત્તરોત્તર વધારો કરવાનો રહેશે.
ઇએક્શન પિરિયડ અગાઉ આપવામાં આવ્યો ન હતો. હવે નવી શરતમાં 90 ઇએક્શન પિરિયડ રાખવામાં આવ્યો છે. અગાઉ સેડ બનાવવા માટેની કોઇ જોગવાઇ ન હતી પરંતુ હવે ભાડે રાખનાર સ્વખર્ચે બાંધકામ શાખાની મંજૂરી મેળવી બાંધકામ કરી શકશે. ફૂડ કોર્ટ ભાડે આપવા માટે ઓનલાઇન ટેન્ડર ભરવાની મુદ્ત 30 મે સુધી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 13 જૂન સુધી ટેન્ડર સબમીટ કરાવી શકાશે. ટેન્ડરની શરતો અને ભાડામાં તોતીંગ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ટેન્ડર માટે પડાપડી થાય તેવી સંભાવના દેખાતી નથી. કારણ કે ફૂડ કોર્ટના 10 સ્ટોલની સાઇઝ ખૂબ ટૂંકી છે. આ ઉપરાંત પાર્કિંગ સહિતના પ્રશ્ર્નો ઉભા થવાની પણ સંભાવના હોય હજી પણ કોર્પોરેશને મોટી છૂટછાટ આપવી પડશે.