છેતરપીંડીની વિશેષ તપાસ ઉપર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી તે ઓર્ડર ઉપર સુપ્રીમે કોર્ટે મુક્યો સ્ટે
દિલ્હી હાઇકોર્ટે સહારાની 9 કંપનીઓ સામે એસએફઆઈઓની તપાસ ઉપર રોક લગાવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સહારાને ઝટકો આપતા આ રોકના ઓર્ડર ઉપર સ્ટે મૂકી તપાસ જારી રાખવાનો આદેશ આપ્યો છે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે સહારા જૂથને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગ્રુપ સાથે જોડાયેલી નવ કંપનીઓ સામે ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ એટલે કે એસએફઆઈઓ દ્વારા તપાસ પર રોક લગાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે હાઈકોર્ટના આદેશ સામે એસએફઆઈઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી. કોર્ટના આ નિર્ણય બાદ હવે ગ્રુપ કંપનીઓ સામે તપાસનો માર્ગ ખુલી ગયો છે. સર્વોચ્ચ અદાલતે શોધી કાઢ્યું કે આ મામલામાં તપાસ પર રોક લગાવવાનો હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી.
એસએફઆઈઓ એ સહારા ગ્રુપના વડા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટના 13 ડિસેમ્બર, 2021ના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી હતી, જેણે પછીની તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આમાં શિક્ષાત્મક કાર્યવાહી અને લુકઆઉટ નોટિસનો સમાવેશ થાય છે. સહારા ગ્રૂપની કંપનીઓને રાહત આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી એસએફઆઈઓની અરજી પર 17 મેના રોજ સર્વોચ્ચ અદાલત વિચારણા કરવા સંમત થઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે, હાઈકોર્ટે સહારા ગ્રૂપ સાથે જોડાયેલી નવ કંપનીઓની તપાસ માટે એસએફઆઈઓના બે આદેશોના ઓપરેશન અને અમલીકરણ પર પણ રોક લગાવી દીધી હતી.
સહારા ગ્રૂપની કંપનીઓ તરફથી હાજર રહેલા એડવોકેટે આજે આ મામલે સુનાવણી કરવા માટે બેન્ચને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે આ મામલામાં તેમનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ શહેરમાં નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતા, કોર્પોરેટ છેતરપિંડી તપાસ એજન્સી એસએફઆઈઓ માટે હાજર થયા, તેમણે કહ્યું કે તેમને વિનંતી સામે કોઈ વાંધો નથી.