- મોરબીના ડેપ્યુટી ડીડીઓથી ગાંધીનગરના સામાન્ય વહીવટ સુધીના સફરમાં કે.રાજેશે કેટલાનું ‘ભુ’ પી લીધું અને કેટલાને ‘ભુ’ પાઈ દીધું?
- નેતાના ‘કહેવાતા’ ભત્રીજાએ પ્રાંત અધિકારીઓની હાજરીમાં યોજાયેલી જમીનની ટોચમર્યાદાના વિવાદ અંગેની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી
કૈભાંડી કે.રાજેશ સામે સીબીઆઈએ હાથ ધરેલી તપાસમાં એક પછી એક મોટા ધડાકા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ‘કહેવાતો’ ભત્રીજો જ્યારે કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે તેમની ખુરશીએ બેસીને મિટિંગ લેતો હતો. આ ઘટસ્ફોટ બાદ હવે પૂર્વ ધારાસભ્યના ભત્રીજા તરીકે ઓળખ આપનાર યુવક સીબીઆઈની રડારમાં આવી ગયો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમુદાયના એક પ્રભાવશાળી ભાજપના નેતા એટલે કે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ભત્રીજા તરીકે ઓળખ આપતા હર્ષ પટેલ જે એચપી તરીકે જાણીતા છે, તેઓ કે.રાજેશ સાથે અપ્રમાણિક નાણાકીય વ્યવહારો માટે સીબીઆઈના રડાર પર છે. તેઓને પ્રારંભિક પૂછપરછ દરમિયાન, હર્ષ પટેલને 5 લાખ રૂપિયાના પાંચ વ્યવહારોના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જે તેણે કથિત રીતે રાજેશના ખાતામાં ચૂકવ્યા હતા, તેમ સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું.
સીબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, હર્ષ પટેલ પ્રથમવાર કે. રાજેશને મોરબીમાં મળ્યો હતો, મોરબીમાં કે.રાજેશ ડે. ડીડીઓ તરીકે પોસ્ટિંગ પર હતા. તેઓએ ડીડીઓ અને કલેક્ટરનો ચાર્જ પણ સંભાળ્યો હતો. તેઓ બન્નેએ ટૂંક સમયમાં જ મિત્રતા કેળવી હતી. જ્યારે રાજેશને જિલ્લા વિકાસ અધિકારી, સુરત તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે હર્ષ પટેલ તેમના ઘરે પણ રહ્યો હતો.
સૂત્રોએ દાવો કર્યો હતો કે હર્ષ પટેલ જીપીએસસીની તૈયારી કરે છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના એક સૂત્રએ આક્ષેપ કર્યો હતો કે, હર્ષ પટેલે કલેક્ટર કચેરીમાં ઘણી બેઠકોની અધ્યક્ષતા કરી છે. તે કલેક્ટરની ખુરશી પર પણ બેસતો હતો. જ્યારે કે.રાજેશ અને નાયબ મામલતદાર જયંતિ ગોલવાડિયા તેમની સામે બેસતા હતા. જાણે તેઓના જુનિયર હોય. પ્રાંત અધિકારીઓ પણ જમીનની ટોચમર્યાદાના વિવાદ અંગેની બેઠકમાં બેસતા હતા. જેની અધ્યક્ષતા હર્ષ પટેલ દ્વારા કરવામાં આવતી હતી.
2018 થી 2021 સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર રહેલા 36 વર્ષીય રાજેશ હાલમાં ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટેડ છે. ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં રાજેશનું રહેઠાણ, ઓફિસ અને અન્ય જગ્યાઓ તેમજ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં તેના વતનમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સંબંધિત અરજીઓને ધ્યાને લઈ સીબીઆઇએ આ તપાસ હાથ ધરી છે. સીબીઆઈએ સુરતના એક વચેટિયાની પણ ધરપકડ કરી છે જે કથિત રીતે રાજેશ માટે લાંચ લેતો હતો. બાદમાં, સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને માહિતી ટેકનોલોજી અધિનિયમની જોગવાઈઓ હેઠળ બનાવટી, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાના આરોપસર કે રાજેશ અને કથિત વચેટિયા રફીક મેમણ સામે એફઆઈઆર નોંધી છે.
કે.રાજેશે રાજકોટથી સિંગલ સ્ટ્રોકમાં રૂ. 60 કરોડ ટ્રાન્સફર કર્યા હતા!!!
પૂર્વ કલેક્ટર અને સિનિયર આઈએએસ અધિકારી કે. રાજેશે રાજકોટથી સિંગલ સ્ટ્રોકમાં રૂ. 60 કરોડ ડીજીટલી ટ્રાન્સફર કર્યા હતા. આ વ્યવહાર પણ સેન્ટ્રલની એજન્સીનાં રડારમાં હોવાની વિગતો મળી રહી છે. કે. રાજેશના રાજકોટ કનેકશનની વિગતો પણ સીબીઆઈ પાસે હોય અનેક રાજકીય અગ્રણીઓ અને જમીનના ધંધાર્થીઓનાં પગ તળે રેલો આવવાનાં નિર્દેશો સાંપડી રહ્યા છે અને આ માટે સીબીઆઇની ટીમ રાજકોટ પણ આવી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.
હીરાસર એરપોર્ટ પાસેની જમીનોના કૌભાંડમાં પણ કે.રાજેશનો હાથ !!!
કે.રાજેશ સુરેન્દ્રનગરનાં કલેક્ટર હતા ત્યારે મેવાસા ચીખલીયા અને બામણબોરમાં નવા એરપોર્ટ નજીકની હજાર એકરથી વધુની જમીનોની ગેરરીતિમાં તેમની સીધી સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાબતના સીબીઆઈ પાસે પુરાવાઓ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે તેઓએ યુએલસી ફાજલ જમીનોને ખાનગી ઠેરવી દઇને કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.