નવા શૈક્ષણિક વર્ષથી ધો.10 અને ધો.12ની એક જ પરીક્ષા લેવાશે: ફેબ્રુઆરી-માર્ચ, 2023માં બોર્ડની ધો.10 અને 12 પરીક્ષા યોજવાનું આયોજન
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની જેમ હવે કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફીકેટ એક્ઝામીનેશન બોર્ડ દ્વારા પણ વર્ષમાં લેવાનારી ધો.10 અને 12ની બે પરીક્ષાની પધ્ધતિ રદ્ કરી છે. જેના બદલે હવે વર્ષમાં ધો.10 અને 12ની એક જ પરીક્ષા લેવામાં આવશે. ફેબ્રુઆરી, માર્ચ-2023માં એક જ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ અંગે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને સત્તાવાર પત્ર દ્વારા જાણ કરી છે અને તે પ્રમાણે વર્ષનું શૈક્ષણિક આયોજન કરવા માટે પણ જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોરોના સમયમાં સીબીએસઇ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વર્ષ બે પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં ટર્મ-1ની પરીક્ષા પ્રથમ સત્રમાં લેવામાં આવી હતી. જ્યારે ટર્મ-2ની પરીક્ષા હાલમાં ચાલી રહી છે. આ બંને પરીક્ષાના પરીણામના આધારે વિદ્યાર્થીઓની માર્ક્સશીટ તૈયાર કરવામાં આવશે. તેમ જણાવાયું હતું. આ જ રીતે સીઆઇએસસીઇ બોર્ડ દ્વારા પણ કોરોના સમય દરમિયાન ધો.10 અને 12ની બે સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરાયું હતું.
જો કે, હવે કોરોના સ્થિતિ સામાન્ય થતાં તાજેતરમાં સીબીએસઇ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરી બે પરીક્ષા રદ્ કરી તેના બદલે વર્ષમાં એક જ પરીક્ષા લેવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી.