- 60 થી 70 જેટલા વેપારી પાસેથી ચણાની ખરીદી કરી પેમેન્ટ ન ચુકવી કચ્છી શખ્સ રફુચકર
- પેઢીના બેન્કમાં રહેલા રૂા.33 લાખ સીઝ કરવા પોલીસ કમિશનરની આરડીસી બેંકને ભલામણ કરી
મોરબી રોડ પર આવેલા બેડી માકેર્ટીંગ યાર્ડ ખાતે આવેલી સાંઇ ટ્રેડીંગ પેઢીના સંચાલકોએ અંદાજે 60 થી 70 જેટલા વેપારીઓનું એકાદ કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઇ જતાં યાર્ડના વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે. વેપારીઓએ સાંઇ પેઢીના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી તેનું બેન્ક એકાઉન્ટ સીઝ કરવાની પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
મુળ કચ્છના દિલીપભાઇ સમસુદીન ખોજાએ બેડી યાર્ડમાં સાંઇ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી વેપારીઓ સાથે કમિશનથી ચણાની ખરીદી કરતો હતો.
બેડી યાર્ડના 60 થી 70 જેટલા જુદા જુદા વેપારીઓ સાથે ચણાની ખરીદી કરતો હતો છેલ્લા એકાદ સપ્તાહથી ચણાની કરેલી ખરીદીનું પેમેન્ટ ન ચુકવી પોતાની પેઢીને તાળા મારી મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
છેલ્લા બે દિવસથી બેડી યાર્ડની સાંઇ ટ્રેડીંગના સંચાલક દિલીપ ખોજા ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. બેડી યાર્ડના અનાજ-કઠોળના વેપારીઓ એસોસિએશનના હોદેદારોને મળી સાંઇ ટ્રેડીંગ પેઢીના સંચાલક દિલીપ ખોજાએ અંદાજે એકાદ કરોડની રકમની છેતરપિંડી કરી ભાગી ગયાનું જણાવતા બેડી યાર્ડ એસોસિએશનના હોદેદોરો સાંઇ ટ્રેડીંગના આરડીસી બેન્ક ખાતે ગયા હતા.
દિલીપ ખોજાના એકાઉન્ટમાં રૂા.33 લાખ હોવાથી વેપારી એસોસિએશનના હોદેદારો પોલીસ કમિશનર કચેરી આવી પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને રજૂઆત કરી સાંઇ ટ્રેડીંગનું આરડીસી બેન્ક એકાઉન્ટ સીઝ કરવા માગણી કરી દિલીપ ખોજા સામે કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી છે. પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં બેડી યાર્ડના કમિશનર એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કામાણી, કિશોરભાઇ દોંગા, યોગેશભાઇ મહેતા, લલીતભાઇ લીંબાસીયા, રમેશભાઇ ગોંડલીયા, દિનેશભાઇ કગથરા, જગદીશભાઇ કોટક, ભીમજીભાઇ સંઘાણી, જયસુખભાઇ ભીમાણી, મનિષભાઇ શાહ, દિલીપભાઇ પુજારા, મહેશભાઇ તળાવીયા, મુકેશભાઇ થાવરીયા, વસંતભાઇ ડઢાણીયા, મનસુખભાઇ પરસાણા, હિતેશભાઇ બુસા, ભરતભાઇ ગજેરા, અમિતભાઇ બારસીયા, હિતેશભાઇ ભીમાણી, સંજયભાઇ ગઢીયા અને હિરેનભાઇ કોટક સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.