પ્રભારી ડો. રઘુ શર્મા, સહ પ્રભારી રામકૃષ્ણ ઓઝા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ: સંગઠનને વધુ મજબુત કરવા પર મૂકાયો ભાર
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજયમાં સત્તાસુખ હાંસલ કરવા કટીબધ્ધ બની છે. આગામી જૂન માસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ ચાર ઝોનમાં જન સંમેલન યોજવામાં આવનાર છે. જેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઝોનવાઈઝ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી લક્ષી ચિંતન કરવામાં આવ્યું હતુ તમામ જિલ્લાના અગ્રણીઓને ચૂંટણી પૂર્વ સંગઠનને મજબુત કરવા તાકીદ કરવામાં આવી હતી સાંજે કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કદાવર પાટીદાર નેતા નરેશભાઈ પટેલને મળે તેવી સંભાવના પણ જણાય રહી છે.
તાજેતરમાં રાજસ્થાનના ઉદયપૂરમાં ગુજરાત કોંગ્રેસની બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ ચાર ઝશેનમાં જન સંમેલન યોજાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સંમેલનને સફળ બનાવવા માટે ચારેય ઝોનમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજવાનો નિર્ણય લેવામા આવ્યો હતો જે અંતર્ગત આજે બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી રાજકોટમાં ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી જેમાં ગુજરાતનાં પ્રભારી ડો. રઘુરામ શર્મા, સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ અને સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અર્જૂનભાઈ મોઢવાડીયા, ઉપરાંત તુષારભાઈ ચૌધરી પરેશ ધાનાણી ઉપરાંત સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રમુખ સહિતના સંગઠનના હોદેદારો સહિત 800 ડેલીગેટસ ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વ તમામ જિલ્લામાં સંગઠન માળખાને વધુમાં વધુ મજબુત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ ભેદભાવ ભૂલી માત્રને માત્ર પક્ષને વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફરી સતા મળે તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવાની વાત પર ધ્યાન મૂકવામાં આવ્યું હતુ.
કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને મળ્યા
રાજકોટમાં આજે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુરામ શર્મા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ટોચના નેતાઓ કદાવર પાટીદાર નેતા નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.
ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ રાજકારણમાં સક્રિય થવા અંગેની ઈચ્છા ઘણા મહિનાઓ પહેલા વ્યકત કરી ચૂકયા છે. આ અંગે ખોડલધામના સ્વયંસેવકો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ટુંક સમયમાં સર્વ રિપોર્ટ જાહેર કરવામા આવે તેવી સંભાવના છે. ભાજપ કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટી દ્વારા નરેશભાઈને પોતાના પક્ષમાં જોડાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેશભાઈનો ઝુકાવ કોંગ્રેસ તરફી હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન આજે કોંગ્રેસના ટોચના નેતાઓ ફરી એકવાર નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવુ હતું.
- નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપતા જગદીશ ઠાકોર
- સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી પૂર્વે પડધરી પાસે નરેશ પટેલના ફાર્મ હાઉસ પર જઇ રૂબરૂ આમંત્રણ પાઠવ્યું
ખોડલધામના પ્રમુખ અને સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ મહિનાઓ અગાઉ રાજકારણમાં સક્રિયા થવા માટેની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. હાલ ખોડલધામના સ્વયંસેવકો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે.
ટૂંક સમયમાં સર્વે રિપોર્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. દરમિયાન આજે રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારી બેઠક પૂર્વે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને વિધાનસભાના નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી પડધરી પાસે આવેલા એક ફાર્મ હાઉસ ખાતે નરેશભાઇને મળવા દોડી ગયા હતા.
આ બેઠક અંદાજે 15 મિનિટ સુધી ચાલી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા નરેશભાઇને કોંગ્રેસમાં જોડાવવા માટે વિધિવત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણીઓએ એવું પણ જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ફોન કરી કોંગ્રેસના અન્ય નેતાઓને પણ કોંગ્રેસ છોડી દેવાની વાતો કરી રહ્યો છે.