ગેસ સિલિન્ડરમાં સાડાત્રણ રૂપીયાનો ભાવ વધારો કરાયો: પખવાડીયામાં બીજી વખત ભાવમાં વધારો ઠોકી દેવાતા ગૃહિણીઓમાં નારાજગી
ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલી દેશની જનતાને ગેસ કંપની દ્વારા વધુ એક ડામ આપવામા આવ્યો છે. રાંધણ ગેસનાં ભાવમાં રાતોરાત ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી મહિનામાં દર પહેલી તારીખે ગેસના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ પ્રથમવાર પખવાડીયામાં બીજી વાર ગેસ સીલીન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા રાતોરાત ગેસના બાટલાના ભાવમાં સાડા ત્રણ રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે 14.200 કિલોના ગેસ સિલીન્ડરના ભાવ રૂ.1008.50 એ આંબી જવા પામ્યા છે.
મે માસના પ્રથમ સપ્તાહમાં ગેસ કંપનીઓ દ્વારા રાંધણ ગેસના ભાવમાં રૂ.50નો તોતીંગ વધારો કરવામાં આવ્યો હતો. સપ્તાહ સુધી દર મહિનામાં એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમવાર એક પખવાડીયામાં બીજી વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા રાતોરાત 10 કિલો 200 ગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં સાડશ ત્રણ રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં ગેસના બાટલાના ભાવ રૂ.1008.50 પહોચી ગયા છે. જોકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ પ્રકારનો વધારો કરાયો નથી. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.2335 છે.
ભાવ વધારાની મૌસમ જાણે પુર બહારમાં ખીલી હોય તેમ દિવસ ઉગેને એક પછી એક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધતા જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓનાં ભાવ વધતા ગૃહિણીઓનાં બજેટ વેર વિખેર થઈ ગયા છે. ચોતરફથી મોંઘવારીથી ઘેરાયેલી જનતાને રોજ ભાવ વધારાનો ડામ પડી રહ્યો છે.