8 વૃક્ષોની ડાળીઓ કાપવાની મંજૂરી લઇ ઘેઘુર 13 વૃક્ષોને વાઢી નખાતા પર્યાવરણીયપ્રેમીઓમાં ભારે રોષ
શહેરના માલવીયા ચોકમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં નડતરરૂપ 8 વૃક્ષોની ડાળીઓ કાપવાની કોર્પોરેશન પાસે મંજૂરી લઇ પુસ્તકાલયના સંચાલકોએ 13 વૃક્ષો વાઢી નાખતા પર્યાવરણીયપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરાને તપાસના આદેશ આપ્યા છે. ગાર્ડન શાખાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નોટિસ આપવા અને જરૂર પડ્યે તો ફોજદારી ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વધુ વિગત મુજબ શહેરના માલવીયા ચોકમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં અનેક વૃક્ષો વાંચનપ્રેમીઓને શિતળતા આપી રહ્યા છે. તાજેતરમાં લાઇબ્રેરીયન દ્વારા કોર્પોરેશન સમક્ષ પુસ્તકાલયના આંગણામાં રહેલા વૃક્ષો પૈકી 8 વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ કાપવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી જે કોર્પોરેશનની ગાર્ડન શાખા દ્વારા આપવામાં આવી હતી.
માત્ર ટ્રિમીંગની મંજૂરી માંગી ઘેઘૂર 13 વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. દરમિયાન ગ્ંરથપાલે એવો બચાવ કર્યો હતો કે પરિસરમાં વૃક્ષ નડતરરૂપ થતાં હોવાના કારણે કાપી નાખવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતાં મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ તાત્કાલીક અસરથી ડીએમસી એ.આર.સિંઘને તપાસના આદેશ આપ્યા છે.
ગાર્ડન શાખાના અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નોટિસ ફટકારવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે લાઇબ્રેરીના ગ્રંથપાલ પાસે ધ્રાંગધ્રાનો વધારાનો ચાર્જ હોવાના કારણે તે મળી શક્યા ન હતા. આગામી દિવસોમાં સરકારી જિલ્લા પુસ્તકાલય સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે.