આપનો શિક્ષણનો મુદ્દો ડેમેજ ન કરે એટલા માટે થોડા સમયમાં જ ઇમેજ મેકઓવર કરવા સરકાર ઊંધામાથે : શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં ઓચિંતી ઢગલાબંધ જાહેરાતો
ગુજરાતનું શિક્ષણ સ્તર સુધારવા માટે સરકારે ભરપૂર પ્રયાસો શરૂ કરી દીધા છે. જેની પાછળ પણ એક કારણ છે. કેજરીવાલે ગુજરાતમાં આવીને એજ્યુકેશન કાર્ડ ખેલ્યું છે. એટલે લોકો શિક્ષણની પરિસ્થિતિને લઈને ભાજપથી અળગા રહે તો ડેમેજ થાય તેમ હોય, સરકારે ઓચિંતા શિક્ષણ ક્ષેત્રે સારા નિર્ણયો જાહેર કરી દીધા છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યના આચાર્ય સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક સંઘ અને સંચાલક મંડળ સહિતના વિવિધ શિક્ષણ સંઘો દ્વારા તેમના નોકરી સળંગ ગણવા સહિતના વિવિધ પડતર પ્રશ્નનો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેને અનુસંધાને સંઘના સભ્યો તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ સંઘના વર્ષોથી પડતર એવા મોટા ભાગના તમામ પ્રશ્નનો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના વર્ષોથી પડતર એવા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આજે લાવવામાં આવ્યું છે. જેમાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો/કર્મચારીઓની પાંચ વર્ષની નોકરીની સેવાઓ સળંગ ગણવા સહિત બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ તેમજ અન્ય લાભો આપવાનો અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો છે. 2 જુલાઈ 1999થી સેવામાં જોડાયેલા અને આજદિન સુધી નિમણૂક પામેલા તમામ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો, સાથી સહાયકો મળી આશરે 39,000 જેટલા કર્મચારીઓને તેનો લાભ મળશે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓના પરિણામ અને શિક્ષણ સુધરે તે માટે વધુ કે નિર્ણય લેવાયો છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિની જૂની પદ્ધતિ પ્રમાણે એક વિદ્યાર્થી દીઠ રૂ.100 દંડ કપાતો હતો જે હવે રૂ.300 દંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યનું શિક્ષણ સ્તર હજુ મજબૂત બને અને વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો દ્વારા શાળા છૂટયા બાદ વધારાનું 1 થી 2 કલાકનું શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહિ, જરૂર જણાશે ત્યાં રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવશે અને તેના નિયમો બનાવવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, જ્યાં એક એક વર્ગની માધ્યમિક શાળાઓ છે તેમને બે વર્ગ દીઠ આચાર્ય સહિત ત્રણનું મહેકમ હતું. તેના કારણે કોઈ પણ એક વિષય શિક્ષકની ઘટ પડતી હતી. જેની અસર પરિણામ પર પડતી હતી. રાજ્ય સરકારે આ અંગે ખાસ જોગવાઈ કરી વિદ્યાર્થીઓના હિતમાં એક શિક્ષક વધારે આપવા અંગે પણ નિર્ણય લેવાયો છે. એટલે કે હવે આચાર્ય સહિત ચારનું મહેકમ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આચાર્યને એલટીસીનો લાભ આપવા તેમજ આચાર્યને તા.5 જાન્યુઆરી 1965નો એક ઇજાફો આપવા માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, નોન ટિચીંગ સ્ટાફની ભરતી કરવા તથા બઢતી આપવા જરૂરી નિર્ણય લેવાયા છે. તે ઉપરાંત ખાતાકીય પરીક્ષા ન લેવાય ત્યાં સુધી તેમને શરતી બઢતી આપવા પણ નિર્ણય લેવાયો છે. જો કે તેમને જોગવાઈ મુજબ સંબંધિત પરીક્ષા પાસ કરવાની રહેશે. તે ઉપરાંત સાતમા પગાર પંચના બાકી હપતાની ચુકવણી પણ કરવામાં આવશે. તો બીજી તરફ એચ-એમએટી આચાર્યની ભરતી માટેની પ્રક્રિયાની પરીક્ષાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે જેનાથી શાળાઓમાં ખૂબ ટૂંકા સમયમાં આચાર્ય મળી જશે.
સરકારે જાહેર કરેલા નિર્ણયો
– માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી
– ફિક્સ પગારમાં નોકરી પામેલા શિક્ષક સળંગ ગણાશે
– આચાર્યોને એટીસીનો લાભ મળશેEducation in Gujarat
– નોન ટીચિંગ સ્ટાફને પણ શરતી બઢતી અપાશે
– વિદ્યાર્થીઓના પરિણામ સુધરે તે માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં શિક્ષણ આપશે
– પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે કરાશે
– સાતમા પગાર પંચના બાકીના હપ્તાની ચૂકવણી સત્વરે કરાશે
– એચ-એમએટી આચાર્યની ભરતી માટેની પ્રક્રિયાની પરીક્ષાની જાહેરાત ટૂંક સમયમાં જાહેર થશે