ગીર-સોમનાથ જીલ્લાના ચાર વિધાનસભા બેઠક પર ભાજપના નિરીક્ષકોએ સેન્સ લીધેલ. જેમાં ૪૭ ટિકીટો વાંચ્છુઓએ દાવેદારી રજુ કરીછે. જીલ્લાની ચાર બેઠકો પૈકી રાજયમંત્રી જશાભાઇ બારડની સોમનાથ બેઠક પર સૌથી વધુ ૧૪ લોકોએ દાવેદારી રજુ કરેલ છે તેમજ વિવિધ સમાજોએ પણ સામુહિક રજુઆત કરી ટીકીટની માંગણી કરેલ અને દાવેદારોએ સમર્થકોને સાથે રાખી દાવેદારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.
ગીર સોમનાથની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉન મળી ચાર બેઠકો પર ચુંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની સેન્સ લેવા માટે પ્રદેશ ભાજપના જયંતિભાઇ કવાડીયા, કીરીટસિંહ રાણા, રક્ષાબેન બોરીચાને નિરીક્ષકો તરીકે વેરાવળ આવેલ હતા.
જેમાં ચારેય બેઠકો પરના દાવેદારોએ વિશાળ સમર્થકોને સાથે રાખી શકિત પ્રદર્શન સાથે નિરિક્ષકો સમક્ષ દાવેદારી રજુ કરી હતી. આ ચારેય બેઠકોમાં સોમનાથ-૧૪, તાલાલા-૧૦, કોડીનાર-૧૧ અને ઉના-૧ર ટિકીટ વાંચ્છુકોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળેલ છે.
૯૦-સોમનાથ વિધાનસભા બેઠક પર હાલમા સરકારમાં સ્થાન શોભાવતા રાજયમંત્રી જશાભાઇ બારડ ઉ૫રાંત અન્ય ૧૪ જેટલા લોકોએ ચુંટણી લડવા માટે ઇચ્છા વ્યકત કરતા આ બેઠક હાલ હોટ ફેવરીટ બની છે. આ બેઠકો પર દાવેદારી કરનાર મોટાભાગના ભાવિ ઉમેદવારોએ સમર્થકોના ટોળા સાથે શકિત, પ્રદશનરુપે નિરીક્ષક સમક્ષ દાવેદારીનો દાવો રજુ કરેલ હતો. આ બેઠકપરથી કોળી સમાજ, આહીર સમાજ, ખારવા સમાજ, વણિક સમાજ, કારડીયા સમાજ સહિતના વિવિધ સમાજોએ પણ ટિકીટની માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે.
હાલ તો જીલ્લામાં સોમનાથ અને તાલાલા બેઠક ચર્ચાની એરણે ચડી છે. આ બન્ને બેઠકો પર આહીર અને કારડીયા સમાજના લોકો વિજય બનતા આવ્યા છે. હાલમાં આ બંને બેઠકો પર કારડીયા સમાજના લોકોનું પ્રતિનિધિત્વ છે તો બીજી તરફ આહીર સમાજનું પણ આ બન્ને બેઠકો સહીત જીલ્લાની અન્ય બે બેઠકો પર વર્ચસ્વ છે ત્યારે તાલાલા અથવા સોમનાથ બેઠક પર આહીર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી લાગણી સાથે આહીર સમાજના પટેલ મેરામણભાઇ સોલંકીની આગેવાનીમાં સોમનાથ બેઠક પરથી આહીર સમાજના યુવા અગ્રણી અને બિલ્ડર એસો.ના પ્રમુખ બાદલભાઇ હૂંબલ, હરદાસભાઇ સોલંકી, શિક્ષણ ક્ષેત્રે પ્રો. જીવાભાળ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ
સરમણભાઇ સોલંકીના નામો નીરીક્ષકો સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
સોમનાથ બેઠક પર રાજયમંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ સહીત ૧૪ આગેવાનોએ તેમન તાલાલા બેઠક માટે મહામંત્રી મહેન્દ્રભાઇ પીઠીયા, નગરપાલીકાના પૂર્વપ્રમુખ અમીતભાઇ ઉનડકટ, યુવા ભાજપના ભરતભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ચારીયા, કોળી સમાજના રાજાભાઇ ચારીયા સહીત ૧૦ ઉમેદવારોએ તથા કોડીનાર બેઠક માટે સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, ગીરીશભાઇ દામોદરા સહીત ૧૧ ઉમેદવારોએ અને ઉના બેઠક માટે પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, જીલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ બોધાભાઇ સોલંકી, વિજયભાઇ બાંભણીયા, દિપાબેન બાંભણીયા, ધીરજભાઇ ખોખર, પરસોતમભાઇ ઠુમ્મર સહીત ૧ર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળેલ છે.