- મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા સર્જાઈ દુર્ઘટના
- કારખાનામાં શ્રમિકો મીઠાને થેલીમાં પેક કરી રહ્યા હતા તે વેળાએ ઓચિંતી દીવાલ માથે પડી, એકસાથે 30 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા: યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ
આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. હળવદના આજના દિવસે એક સાથે 12 જિંદગી મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. મીઠાના એક કારખાનામાં દીવાલ પડતા 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટના બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવી હતી. જેમાં બપોરે અઢી વાગ્યા સુધીમાં 12 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
હળવદ જીઆઈડીસીમાં આજે કમકમાટી ભરી દુર્ઘટનામાં મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાની ગોઝારી ઘટનામાં 3 જેસીબી, હિટાચીથી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અને પાંચ એમયુલન્સ સ્થળ પર રાખી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં સુધીમાં દીવાલ નીચે દબાયેલા 12 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અને અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર દોડી જઇ સ્થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા જેસીબીની મદદથી પડી ગયેલી દિવાલનો મલબો હટાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.
3 જેસીબી અને 5 એમ્બ્યુલન્સ દ્વારા હાથ ધરાયુ બચાવ કાર્ય
હળવદની ગોઝારી ઘટના બાદ તંત્રને જાણ કરાતા 5થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે બચાવ કાર્ય માટે 3 જેસીબી પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. મોરબી, સુરેન્દ્રનગર, સરા સહિતના સ્થળેથી 5 થી વધુ 108 ઘટના સ્થળે પહોંચી હતી. તેના મારફત ઇજાગ્રસ્તોને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
12 શ્રમિકોના મૃત્યુ અને ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ જીઆઇડીસીમાં નમકના કારખાનામાં દીવાલ ધસી પડતા કારખાનામાં કામ કરતા 12 શ્રમિકના મૃત્યુ નિપજયા છે જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ધાયલ થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. આ શ્રમિકોની હાલત ગંભીર હોય તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાને ટ્વીટર ઉપર દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુ:ખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને હિંમત મળે અનેઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
કલેક્ટર-એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે
હળવદની આ દુર્ઘટનામાં જ્યારે આ ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ વડા ત્રિપાઠી, સ્થાનિક મામલતદાર ભાટી, હળવદના પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સ્થળ પર દોડી જઇ સ્થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે પહોંચ્યા
મોરબી જિલ્લાના હળવદમાં એક સાથે બાર – બાર શ્રમિકોના મૃત્યુની કરુણ ઘટનાને લઈ રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ પ્રતિક્રિયા આપીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. બીજી તરફ આ દુર્ઘટનામાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કેબિનેટ બેઠક બાદ હળવદ આવે તેવી શક્યતા સેવાઈ રહી હતી. બાદમાં મુખ્યમંત્રી પોતાના તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે પહોંચ્યા છે.
મૃતકોને પીએમ અને સીએમ તરફથી રૂ. 6 લાખની સહાયની જાહેરાત
મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે પીએમ અને સીએમએ હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત વડાપ્રધાને પણ પીએમ ફંડમાંથી મૃતકોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
મૃતકોના નામ
- રમેશભાઈ નરસિંહભાઈ ખીરણા (ઉ.45)
- કાજલબેન જેસાભાઈ ગાણસ (ઉ.27)
- દક્ષાબેન રમેશભાઈ કોળી (ઉ.18)
- શ્યામાભાઈ રમેશભાઈ કોળી (ઉ.13)
- રમેશભાઈ મેઘાભાઇ કોળી (ઉ.42)
- દીલાભાઇ રમેશભાઈ કોળી (ઉ.26)
- દીપકભાઈ દિલીપભાઈ સોમાણી (ઉ.5)
- મહેન્દ્રભાઈ (ઉ.30)
- દિલીપભાઈ રમેશભાઈ (ઉ.25)
- શીતલબેન દિલીપભાઈ (ઉ.32)
- રાજીબેન ડાયાભાઇ ભરવાડ (ઉ.30)
- દેવીબેન ડાયાભાઈ ભરવાડ (ઉ.14)